મનપસંદ કવિતા – મૈત્રીભાવનું પવિત્ર ઝરણું (અજ્ઞાત)
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું,
મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકળ વિશ્વનું,
એવી ભાવના નિત્ય રહે… મૈત્રીભાવનું
ગુણથી ભરેલા ગુણીજન દેખી,
હૈયું મારું નૃત્ય કરે,
એ સંતોના ચરણ-કમળમાં,
મુજ જીવનનું અધર્ય રહે… મૈત્રીભાવનું
દીન દુ:ખી ને ધર્મ-વિહોણા,
દેખી દિલમાં દર્દ રહે,
કરુણાભીની આંખોમાંથી,
અશ્રુનો શુભ સ્ત્રોત વહે… મૈત્રીભાવનું
માર્ગ ભૂલેલા જીવન પથિકને,
માર્ગ ચીંધવા ઊભો રહું,
કરે ઉપેક્ષા એ મારગની,
તોયે સમતા ચીત ધરું… મૈત્રીભાવનું
ચંદ્રભાનુની ધર્મ ભાવના,
હૈયે સૌ માનવ લાવે,
વેર-ઝેરના પાપ તજીને,
મંગળ ગીતો સૌ ગાવે… મૈત્રીભાવનું
— અજ્ઞાત જૈન મુનિ
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply