મને એ જ સમજાતું નથી – કરસનદાસ માણેક
મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે !
ટળવળે તરસ્યાં, ત્યહાં જે વાદળી વેરણ બને,
તે જ રણમાં ધૂમ મુસળધાર વરસી જાય છે !
ઘરહીણાં ઘૂમે હજારો ઠોકરાતાં ઠેર ઠેર,
ને ગગનચુંબી મહાલો જનસૂનાં રહી જાય છે !
દેવડીએ દંડ પામે ચાર મૂઠી જારના,
ને લાખ ખાંડી લૂંટનારા મહેફીલે મંડાય છે !
કામધેનુને મળે ના એક સૂકું તણખલું,
ને લીલાંછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે !
છે ગરીબોના કૂબામાં તેલનું ટીપુંય દોહ્યલું,
ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે !
– કરસનદાસ માણેક
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply