Archive for the ‘મનપસંદ કવિતાઓ’ Tag

મનપસંદ કવિતાઓ : મદિરા – ‘મરીઝ’ 

નથી કોઈ તારામાં વિધી મદિરા,
ગમે ત્યાં ગમે ત્યારે પીધી મદિરા…

હતી મારી તું પ્રતિનિધિ મદિરા,
બધામાં તને આગે કીધી મદિરા…

અમે તારા ભક્તો અમે બહાર રહીએ?
જગા સ્વર્ગમાં તેં તો લીધી મદિરા…

નથી પાપ તુજમાં કે અગ્નિ પરીક્ષા,
સરળતાથી તેં પાર કીધી મદિરા…

સતત થઈ રહ્યાં છે સુરાલયના ફેરા,
નિરાંતે કદી મેં ન પીધી મદિરા…

ગળેથી જ્યાં, ઊતરી કે તોફાની થઈ ગઈ,
હતી જામમાં સાવ સીધી મદિરા…

નશામાં બધી વાત કરવી જ પડશે,
અમારી છે તું પ્રતિનિધિ મદિરા…

‘મરીઝ’ એની ન્યાગતનું શું પૂછવાનું?
ફળોમાં, અનાજોમાં દીધી મદિરા…

 

— ‘મરીઝ’

 

ન્યાગત – ઉદારતા