ભક્તોના અભિમાનનો ભંગ (૪): અર્જુન (દાનની મતિ )
આ મહાભારતની દ્રષ્ટાંત કથા છે . મહાભારતનું યુદ્ધ સમાપ્ત થઇ ગયું હતું. પાંડવોના અતિશય આગ્રહ અને પ્રેમને વશ થઇ ભગવાનકૃષ્ણ થોડા સમય માટે હસ્તિનાપુરમાં રોકી ગયા હતાં. ભગવાન રોજ નિત્ય નવી લીલાઓ કરતા હતાં. આ પ્રસંગ તેમનાં પ્રિય સખા અર્જુનને સાથે રોજ દેશ ભ્રમણ કરવાં નીકળી પડતાં હતાં. એ સમયની આ કથા છે .
એક વખત વહેલી પરોઢે ભગવાન અને અર્જુન ભ્રમણ કરવા નીકળ્યાં . ત્યાં રસ્તામાં તેમણે એક નિર્ધન બ્રાહ્મણને ભિક્ષા માંગતા જોયો. અર્જુનને ખબર હતી કે પ્રભુ બ્રાહ્મણ ભક્ત છે , તદુપરાંત ક્ષત્રિય ધર્મ પ્રમાણે પોતે બ્રાહ્મણની સેવા અને રક્ષણ કરવી જોઈએ એ વિચારથી અર્જુને એ બ્રાહ્મણને એક હજાર સોનાની મુદ્રાઓથી ભરેલી પોટલી આપી. આ દાનમાં સુક્ષ્મ અભિમાન હતું કે આટલી બધી ધન રાશી તો આ બ્રાહ્મણને એનાં દુ:ખ દૂર કરવામાં ઘણી થઇ પડશે. ભગવાન તો અર્જુનનાં મનનો ભાવ કળી ગયાં અને આથી આ અભિમાનનો નિકાલ કરવા પોતાની લીલા રચી . બ્રાહ્મણ અનેક આશિર્વાદ આપી, પોતાના સુખદ ભવિષ્યના સ્વપ્નાં જોતો ત્યાંથી પોતાને ઘરે જવા નીકળ્યો.
પરંતુ દુર્ભાગ્યવશ રસ્તામાં એક ચોરે તેની એ પોટલી બહુ ચાલાકીથી ઝુંટવી લીધી. બ્રાહ્મણને થોડાં સમય પછી એનું જ્ઞાન થતાં બહુ દુ:ખી થઇ ગયો અને લાચારીથી ફરી એ જ સ્થાન પર ગયો જ્યાં અર્જુને એને પોટલી આપી હતી અને ફરી ભિક્ષાવૃત્તિમાં જોડાઈ ગયો.
અર્જુન અને પ્રભુ એ સ્થાન પર આરામ કરતાં હતાં. અર્જુને ફરી બ્રાહ્મણને ભિક્ષા માંગતા જોયો ત્યારે એની પાસે જઈ આમ કરવાનું કારણ પુછ્યું.
બ્રાહ્મણે સઘળી વ્યથાનું વિવરણ કર્યું , આ સાંભળી અર્જુનને દયા આવી. હવે અર્જુને વિચારીને બ્રાહ્મણને અત્યંત મુલ્યવાન મણિ આપ્યો. અને કહ્યું કે આ મણિની કિંમતથી એણે કયારે ભિક્ષા માંગવાનો વારો નહીં આવે. આ સાંભળી બ્રાહ્મણ ખુબ ખુશ થયો અને અનેક આશીર્વાદ આપી ત્યાંથી રવાના થયો
બ્રાહ્મણનું નસીબ બે ડગલાં પાછળ ચાલતું હતું. નિર્ધન હોવાથી બ્રાહ્મણનાં ઘરમાં મણિ મુકવા માટે કોઈ સ્થાન ન હતું. આથી તેણે ચોરી ના થાય તે ભયથી એક જૂનાં ઘઢામાં છુપાવી અને ઘાટ પર સ્નાન કરવા ગયો. આ બાજુ બ્રાહ્મણની સ્ત્રી નદી પર જળ લેવા ગયું પરંતુ માર્ગમાં તેનો ઘડો તૂટી ગયો. આથી તે પાછી ઘરે આવી જુનો ઘડો લઇ પાણી ભરવા ગઈ. જેવો એણે ગાળો પાણી ભરવા નદીમાં ડુબાડ્યો , પેલો બહુમુલ્ય મણિ નદીમાં વહી ગયો. આ બાજુ બ્રાહ્મણ સ્નાન કરી ઘરે આવ્યો અને ઘડો ના જોતાં અકળાઈ ગયો. થોડી વારમાં એની સ્ત્રી પાણી ભરી પાછી વળી અને બ્રાહ્મણે એને બધી વાત કરી , પરંતુ હવે બહુ મોડું થઇ ગયું હતું , જે થાય તે ભગવાનની ઈચ્છાથી થાય છે એમ માની ફરી ભિક્ષાવૃત્તિમાં જોડાઈ ગયો. સવારથી બે વાર નસીબ ગોથા ખાઈ ગયું હતું આથી બ્રાહ્મણ બહુ હતાશ હતો અને ફરી એક વાર એ જ સ્થાને આવ્યો જ્યાં અર્જુન અને ભગવાન આરામ કરતાં હતા.
તેણે ભગવાનને અને અર્જુનને પોતાની સાથે થયેલી ઘટના સંભળાવી , આથી અર્જુનને થયું આ બ્રાહ્મણના નસીબમાં સુખ નથી. ભગવાન મંદ મંદ હાસ્યથી અર્જુન તરફ જોયું અને પછી બ્રાહ્મણને બે કોડી દાનમાં આપી. આ જોઈ અર્જુનને ઘણું આશ્ચર્ય થયું. બ્રાહ્મણ તો બે કોડીમાં સંતોષ માની ફરી અનેક આશીર્વાદ આપી ઘર તરફ જવા નીકળ્યો.
અર્જુને તરત ભગવાન તરફ વળી પૂછ્યું ” પ્રભુ , મેં આપેલી મુદ્રાઓ અને મણિનાં દાનથી પણ આ બ્રાહ્મણની દરિદ્રતા દુર ના થઇ તો આપે આપેલી માત્ર બે કોડીથી આ બ્રાહ્મણનું કલ્યાણ કેવી રીતે થશે ? ”
શ્રી કૃષ્ણ બોલ્યાં ” અર્જુન , તું એ બ્રાહ્મણની પાછળ જા અને મને જણાવ પછી તારું કલ્યાણ થાય છે કે નહીં ?”
અર્જુન ભગવાનની આજ્ઞા માની અને ઉત્સુકતાથી એ બ્રાહ્મણની પાછળ ચાલવા લાગ્યો. બ્રાહ્મણ એ વિચારતો હતો કે આ બે કોડીથી કોઈ વ્યક્તિ માટે ભોજન પણ પ્રાપ્ત નહિ થાય પરંતુ ભગવાનનો પ્રસાદ છે તો સાચવીને ઘેર લઇ જાવું , કયારેક તો કામ લાગશે.
રસ્તામાં નદી કાંઠે એણે એક માછીમારની ઝાળમાં તડપતી એક માછલીને જોઈ અને એને દયા આવી ગઈ. એણે વિચારર્યું જો આ બે કોડીથી માછલીનાં પ્રાણની રક્ષા થતી હોય તો ભગવાને એ જ કારણે મને આ બે કોડી આપી હશે. એણે તરત એ માછીમારને રોકીને બે કોડીમાં પેલી માછલીને બચાવની વિનંતી કરી , સવારથી કોઈ બોણી નાં થવાથી માછીમારે ખુશીથી બ્રાહ્મણને એ માછલી આપવા હાથ આગળ કર્યો. પોતે બ્રાહ્મણ હોવાથી માછલીને નહીં અડે પરંતુ એને ફરી નદીમાં પધરાવવાની આજ્ઞા કરી. જેવી માછલીને નદીમાં છોડવા માછીમારે હાથ ખુલ્લા કર્યાં ત્યાં એ માછલીએ પોતાનું મુખ ખોલી કોઈક વસ્તુ કાંઠા તરફ બ્રાહ્મણનાં પગ તરફ ફેકી . બ્રાહ્મણ ઉત્સુકતાથી શું છે જોવા નીચે વળ્યો તો એણે જોયું કે આ એ જ મણિ હતો જે અર્જુને સવારે એને આપ્યો હતો અને જે પોતાની પત્ની પાણી ભરવા નીકળી તે ઘડામાં તણાઈ ગયો હતો.
એ મણિ જોઈ બ્રાહ્મણ અત્યંત આનંદિત થઇ ગયો અને જોરથી ઘાંટો પાડી બોલવા લાગ્યો ” જડી ગયો , જડી ગયો” , આ સાંભળી થોડે દૂર કાંઠા ઉપર એ જ ચોર જેણે સવારે મુદ્રીકાની ચોરી કરી હતી ગભરાઈ ગયો. એને વિચાર આવ્યો કે આ બ્રાહ્મણ કોઈ માયાવી અને તંત્રી લાગે છે જેણે મને શોધી કાઢ્યો. તે સાચવીને એ બ્રાહ્મણ પાસે આવ્યો એનાં પગમાં પડી પેલી મુદ્રિકાની પોટલી એનાં પગમાં મૂકી અને માફી માંગતા કહ્યું કે તેની ભૂલ થઇ ગઈ અને ફરી ક્યારે આવ્યું કામ નહિ કરે અને ત્યાંથી ઝપાટાબંધ નીકળી ગયો .
બ્રાહ્મણ તો આશ્ચર્યચકિત થઇ ગયો , ભગવાનની બે કોડીએ એનું બધું ખોવાયેલું ધન પાછું લાવી આપ્યું. અર્જુન તો આ ઘટના જોઈ વધુ છક્ક થઇ ગયો અને એને માનવામાં નાં આવ્યું કે આ શક્ય છે.
એ ભગવાન પાસે પાછો આવી એમના ચરણમાં પડ્યો અને કહ્યું પ્રભુ તમારી લીલા અદભૂત અને અગમ્ય છે. મારું આટલું આપવા છતાં આ બ્રાહ્મણનું કલ્યાણ ના થયું અને આપે આપેલું આટલું ઓછું પણ એને અનેક ઘણું ધન પ્રાપ્ત કરાવ્યું.
ભગવાને સ્મિત કરતાં અર્જુનને કહ્યું ” હે સખા, તે દાન આપતાં અભિમાન કરેલું કે આટલી મુદ્રાઓ કે આટલો મુલ્યવાન મણિ આ બ્રાહ્મણ માટે ઘણું થઇ પડશે. તારી આપવાની મતિ શ્રેષ્ઠ ન હતી . એ બ્રાહ્મણ તારું દાન લઇ સ્વાર્થવૃત્તિથી પોતાનાં કલ્યાણની વિચારોમાં પડ્યો , એણે અન્યોનાં દુ:ખ તરફ દ્રષ્ટિ ન કરી. મેં જયારે થોડું આપ્યું ત્યારે આપતાં એમ વિચારર્યું કે આ દાન ઓછું તો નહિ પડે. છતાં એટલું દાન લઇ બ્રાહ્મણે વિચાર્યું કે આ ભગવાનની કૃપા છે , ભલે કદાચ મારું કલ્યાણ નાં થાય પણ કોઈ બીજાનું આનાથી કલ્યાણ થાતું હોય તો હું જરૂરથી કરીશ. એ બીજાનું ભલું કરવાનું વિચારવા લાગ્યો આથી એનું તરત કલ્યાણ થયું ”
તમે જે આપો , ભલે થોડું આપો પણ એ વિચારથી આપો કે જે આપ્યું છે તે ઓછું આપ્યું છે અને એ કદાચ કોઈનાં કલ્યાણ માટે પુરતું ના હોય. અને જ્યારે તમે બીજાનાં દુ:ખનો વિચાર કરો છો અને નિર્મળ મતિથી એનું ભલું કરવાનું તમે ઈચ્છો છો ત્યારે તમે ભગવાનનું કાર્ય કરો છો અને ભગવાન એ કાર્યમાં તમારો સાથ આપે છે
અર્જુન સજળ નયને ભગવાનની માફી માંગી અને પોતાનું આટલું ધ્યાન રાખવા બદલ અને બોધ આપવા માટે ધન્ય બની ગયો.
તમારી ટીપ્પણી