Archive for the ‘વૈકુંઠ’ Tag

જાણવા જેવું : ભગવાન વિષ્ણુ ૩

ગત મહિને સંપાદન કરેલા “ભગવાન વિષ્ણુ” વિષેના પ્રથમ અંક  તથા  બીજા અંક ના અનુસંધાનમાં (તારીખ ડીસેમ્બર   ૨૧ , ૨૦૧૨) આ ત્રીજો ભાગ છે. આજે ભગવાનનાં ધામ વિષે અને પામવાનાં માર્ગ આલેખું છું .

ભગવાન શંકર ભગવતી પાર્વતીને વિષ્ણુલોકનું વર્ણન કરતાં કહે છે ” લીલાવિહારી હરિની લીલા માટે “પ્રકૃતિની” ઉત્પત્તિ થઇ, જેમાં ચૌદ ભુવન, સમુદ્ર, સાત દ્વીપ , ચાર પ્રકારનાં પ્રાણીઓથી ભરેલું રમણીય બ્રહ્માંડ નિર્માણ થયું. આ બ્રહ્માંડ દશ આવરણોથી ઘેરાયેલું છે. હજાર ચતુર્યુગ વ્યતીત થવા પર બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય છે – એવાં સો દિવસ બરાબર એક વર્ષનાં પ્રમાણે, બ્રહ્માજીની સો વર્ષની આયુ ઘણાય છે. બ્રહ્માજીની આયુ સમાપ્ત થવા પર કાલગ્નિથી બ્રહ્માંડના સમસ્ત લોક બળીને ભસ્મ થાય છે. બ્રહ્માંડ અને એનાં દશ આવરણ પ્રકૃતિમાં લિન થાય છે. જગતનો આધાર પ્રકૃતિ છે , અને પ્રકૃતિનો આધાર શ્રી હરિ. ભગવાનની આ પ્રકૃતિને અવિદ્યા , માયા કે મહામાયા પણ કહેવવાય છે જે સમસ્ત બ્રહ્માંડનું સૃષ્ટિ, પાલન અને સંહારનું કામ કરે છે. આ માયા સત્વ , રજ અને તમ આ ત્રણે ગુણોથી યુક્ત છે -જે ભગવાનનું ક્રીડાસ્થલ (વિહારસ્થાન) પણ કહેવાય છે. પ્રકૃતિનાં સ્થાન અસંખ્ય છે અને ઘોર અંધકારથી યુક્ત છે. આ પ્રકૃતિની ઉપરની સીમા પાર “વિરજા” નામની નદી છે પણ નીચેની તરફ કોઈ સીમા નથી. આ આખું અંતરિક્ષ (મહાન શૂન્ય) , સંપૂર્ણ ભૂત (સ્થૂળ, સૂક્ષ્મ, સ્થાવર,જંગમ, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરીયા અવ્સ્થમાં સર્વ પ્રકારનાં જીવ અને વસ્તુ) પ્રકૃતિની અંદર છે .

त्रिपाद्विभूतिरूपं तु शृणु भूधरनंदिनि
प्रधान परमव्योम्नोरंतरे विरजा नदी ५८
वेदांगस्वेदजनिततोयैः प्रस्राविता शुभा
तस्याः पारे परे व्योम्नि त्रिपाद्भूतिस्सनातनी ५९
अमृतं शाश्वतं नित्यमनन्तं परमं पदम्
शुद्धं सत्वमयं दिव्यमक्षरं ब्रह्मणः पदम् ६०
अनेककोटिसूर्याग्नि तुल्य वर्चसमव्ययम्
सर्ववेदमयं शुद्धं सर्गप्रलयवर्जितम् ६१

असंख्यमजरं नित्यं जाग्रत्स्वप्नादिवर्जितम्
हिरण्मयं मोक्षपदं ब्रह्मानंदसुखावहम् ६२
समानाधिक्यरहितमाद्यंतरहितं शुभम्
तेजसात्यद्भुतं रम्यं नित्यमानंदसागरम् ६३
एवमादिगुणोपेतं तद्विष्णोः परमं पदम्
न तद्भासयते सूर्यो न शशांको न पावकः ६४

– પદ્મ પુરાણ, ઉત્તર ખંડ , અધ્યાય ૨૨૭

ભગવાનનું પરમ ધામ અને પ્રકૃતિની વચ્ચે , “વિરજા” નદી વહે છે જે વેદોનાં પ્રસ્વેદ (પરસેવો) બિંદુના જળથી પ્રવાહિત થાય છે. એની બીજી પાર સનાતન , અમૃત , શાશ્વત , નિત્ય , અનંત , પરમ વ્યોમ , દિવ્ય ,શુદ્ધ સ્તવમય પરબ્રહ્મનું ધામ છે જેનું તેજ અનેક કોટી સૂર્ય અને અગ્નિ સમાન છે. આ જ કારણથી એ અત્યંત અદ્ભુત, રમણીય , અને આનંદનો સાગર છે . એને સૂર્ય , ચંદ્ર, અગ્નિ કોઈ પ્રકાશિત નથી કરતુ , એ સ્વયં પ્રકાશિત છે.

विरजापरिचेष्टितम् ।।

– નારદ પુરાણ , પૂર્વાર્ધ – ૬૨ અધ્યાય

અહીં પાડું વર્ણની (સફેદ રંગ), સર્વપાપહારીણી , અને દેવાંગનાની અંગરાગ  એવા દિવ્ય “ગંગાજી”નું ઉદભવ સ્થાન છે, જે સર્વ લોકને પાવન કરતાં પૃથ્વી પર વહે છે.  અને અહી ” વિરજા” નામે પ્રચલિત છે.

विरजा परमव्योम्नोरंतरंकेवलं स्मृतम्
तत्स्थानमुपभोक्तव्यमव्यक्तब्रह्मसेविनाम् ७
स्वात्मानुभवजानंदसुखदं केवलं पदम्
निःश्रेयसं च निर्वाणं कैवल्यं मोक्ष उच्यते ८

– પદ્મ પુરાણ, ઉત્તર ખંડ , અધ્યાય ૨૨८

“વિરજા” નદી અને પરમ ધામની વચ્ચે જે સ્થાન છે તેનું નામ “કેવલ” છે અહીં અવ્યક્ત બ્રહ્મનાં ઉપાસકોનાં ઉપભોગમાં આવે છે. એ આત્માનંદનું સુખ પ્રદાન કરવાવાળું સ્થાન છે. આ સ્થાનને કેવલ , પરમપદ , નિ:શ્રેયસ, નિર્વાણ , કૈવલ્ય અને મોક્ષ કહે છે.

ततो वैकुंठः मगमद्भास्वरं तमसः परम् यत्र नारायणः

– શ્રીમદ ભાગવત ,સ્કંધ ૧૦ , અધ્યાય ૮૮

પ્રાકૃતિક અંધકારથી પર પરમ પ્રકાશમય લોક , જ્યાં ભગવાન વિષ્ણુ નિત્ય બિરાજમાન છે, એ પરમ પવિત્ર લોકને વૈકુંઠ કહેવાય છે.

तद्विष्णोः परमं धाम यांति ब्रह्मसुखप्रदम्
नानाजनपदाकीर्णं वैकुंठं तद्धरेः पदम् १०
– પદ્મ પુરાણ, ઉત્તર ખંડ , અધ્યાય ૨૨८

જે બ્રહ્મસુખ પ્રદાન કરવાવાળું છે , જ્યાં અનેક જનપદ (ગામ) વસેલાં છે તે શ્રી હરિનું નિવાસસ્થાનને વૈકુંઠ કહે છે

मोक्षं परं पदं दिव्यममृतं विष्णुमंदिरम्
अक्षरं परमं धाम वैकुण्ठं शाश्वतं पदम्
नित्यञ्च परमं व्योम सर्वोत्कृष्टं सनातनम्
पर्य्यायवाचकान्यस्य परधाम्नोच्युतस्य च

– પદ્મ પુરાણ, ઉત્તર ખંડ , અધ્યાય ૨૨૭

અર્થાત : મોક્ષ , પરમપદ , અમૃત , વિષ્ણુમંદિર , અક્ષર , પરમધામ , વૈકુંઠ , શાશ્વતપદ , નિત્યધામ , પરમવ્યોમ , સર્વોત્કૃષ્ટ પદ અને સનાતન પદ – આ અવિનાશી પરમ ધામનાં બીજા નામ છે

आतपत्रं तु वैकुण्ठं द्विजा धामाकुतोभयम्

— શ્રીમદ ભાગવત , સ્કંધ ૧૨, અધ્યાય ૧૧

અર્થાત: નિર્ભય ધામ વૈકુંઠને ભગવાન છત્ર રૂપે ધારણ કરે છે .

जलावरणमध्ये तु वैकुंठं कारणं शुभम्

– પદ્મ પુરાણ, ઉત્તર ખંડ , અધ્યાય ૨૨૯

વૈકુંઠ લોક જળની વચ્ચે આવેલું છે આથી તે કારણરૂપ અને શુભ છે

મન અને ઇન્દ્રિયોની ગતિ જ્યાં કુંઠિત થાય છે , જે સર્વસ્થળે ને સર્વે કાળે છે,

समरूपाश्च श्रीविष्णोः सर्व्वालंकारभूषिताः

– પદ્મ પુરાણ, ઉત્તર ખંડ , અધ્યાય ૨૨૯

અહીં સ્ત્રીઓનું રૂપ ભગવતી લક્ષ્મી સમાન હોય છે અને પુરૂષોનું ભગવાન વિષ્ણુ સમાન – જે સર્વ આભૂષણોથી વિભૂષિત રહે છે

એ દિવ્ય ધામમાં સૌ વિષ્ણુરૂપ બનીને ભગવાનની અખંડ આરાધના કરતાં વસે છે.  સર્વ યોગી જન કરોડો દૈદીપ્યમાન સૂર્યની માફક પ્રકાશિતરૂપ પ્રતીત થતાં વિહરે છે અને જે સહુ જ્ઞાન માત્રથી ભગવાનને પ્રત્યક્ષ દેખે છે. ત્યાંનાં પરમાણુઓ અત્યંત પવિત્ર હોય છે. न जरा આ લોક અજર, અમર તથા નિત્ય આનંદ સ્વરૂપ છે.

विष्णुलोको रुद्रलोको बहिश्चास्मात्प्रकीर्त्यते॥

સ્કંધ પુરાણ , મહેશ્વર ખંડ , કૌમારિકા ખંડ , અધ્યાય ૩૯

અર્થાત : વિષ્ણુ લોક અને રુદ્ર લોક આ બ્રહ્માંડની બહાર ગણાય છે

न तत्र क्रमते कालो અહીં કાળનો સંચાર નથી.  અર્થાત, અહી ભૂત, ભવિષ્ય અને વર્તમાન જેવું કાંઈ નથી.

लोको यतोऽभयमुतात्मसुखं न चान्यत्

— શ્રીમદ ભાગવત , સ્કંધ ૧૨, અધ્યાય ૮

અર્થાત: વૈકુઠધામની વિલક્ષણતા એ છે કે આ લોક હોવા છતાં ભય રહિત છે અને ભોગયુકત્ત હોવા છતાં આત્માનંદથી પરિપૂર્ણ છે .

સર્વ જન ચિદાનંદમાં એકાત્મ અને ઓતપ્રોત રહે છે.

तथा नास्त्यशुभं किञ्चिन्न व्याधिस्तत्र न क्लमः।

અહીં કોઈનું અમંગલ નથી થતું.

आधिव्याधिजरामृत्युशोकभीतिविवर्जितम्

અહીં શોક, રોગ, ભય, આધિ, વ્યાધિ , ઉપાધિ , તંદ્રા , નિદ્રા, દ્વેષ અને  હિંસા કંઈ જ નથી. અહીં પક્ષપાત (અસમાનતા) , અનૃત (અસત્ય) , મત્સર (અદેખાઈ) નથી. વૈકુંઠમાં રજોગુણ, તમોગુણ તેમ જ માયા પણ નથી.  न च पावकः।। અહીં અગ્નિનું જોર નથી . અહી માત્ર શુદ્ધ સત્વગુણ રહે છે.  દરેક ગ્રહ, નક્ષત્ર, લોક અને મંડળ, વૈકુંઠનો આશ્રય લઈને સદા તેની પ્રદક્ષિણા કરે છે.  આ લોકનું કોઈ માપ , કે પરિમાણ નથી.

ईदृशान्विद्दि ताँल्लोकान्नास्ति लोकस्तथाविधः।।

છતા આ લોકથી વિશાળ કોઈ લોક નથી . અહીં સર્વ વસ્તુઓ ઉપર બધાનો સમાન અધિકાર છે.

જયારે પાપ અને પુણ્ય નિવૃત્ત પામે, જયારે દેહ પ્રાપ્તિના સંપૂર્ણ કારણ નાશ પામે , ત્યારે આ લોકની પ્રાપ્તિ થાય છે.

वैमानिकैः सुरैर्जुष्टं

– નારદ પુરાણ , પૂર્વાર્ધ – ૬૨ અધ્યાય

અહીં વિમાન પર વિચરવાવાળા દેવતાઓથી સેવિત છે

तन्मध्ये नगरी दिव्या साऽयोध्येति प्रकीर्तिता

– પદ્મ પુરાણ, ઉત્તર ખંડ , અધ્યાય ૨૨८

એનાં મધ્યમાં દિવ્ય નગરી છે જે અયોધ્યા કહેવાય છે. चतुर्द्वारसमायुक्ता અયોધ્યા ને ચાર દ્વાર છે.  આ દરેક દ્વાર પર ભગવાન વિષ્ણુનાં બે મુખ્ય પાર્ષદ (દ્વારપાલ) ઉભા હોય છે. તેમનાં નામ :

चंडप्रचंडौ प्राग्द्वार याम्ये भद्रसुभद्रकौ

वारुण्यां जयविजयौ सौम्ये धातृविधातरौ

-પદ્મ પુરાણ , ઉત્તર ખંડ , અધ્યાય ૨૨૮

પૂર્વના દરવાજાનાં દ્વારપાળ ચંડ અને પ્રચંડ છે , દક્ષિણનાં દ્વારપાળ ભદ્ર અને સુભદ્ર છે. પશ્ચિમનાં દ્વારપાળ જય અને વિજય છે તથા ઉત્તરનાં દ્વારપાળ ધાતા અને વિધાતા છે

कुमुदः कुमुदाक्षश्च पुंडरीकोऽथ वामनः
शंकुकर्णः सर्वनेत्रः सुमुखः सुप्रतिष्ठितः
एते दिक्पतयः प्रोक्ताः पुर्य्यामत्र शुभानने

-પદ્મ પુરાણ , ઉત્તર ખંડ , અધ્યાય ૨૨૮

કુમુદ, કુમુદાક્ષ, પુંડરીક , વામન , શંકુકર્ણ , સર્વનિંદ્ર , સુમુખ અને સુપ્રતિષ્ઠિત આ આઠ દિક્પાલ છે

નંદ , સુનંન્દ ,બલ, પ્રબલ, મહાબલ , પક્ષિરાજ ગરુડ , જયંત , શ્રુતદેવ ,વિશ્વક્સેન,  પુષ્પદંત , સાત્વત , દુર્ગા, વિનાયક , વ્યાસ આ ચૌદ પાર્ષદ છે.

— શ્રીમદ ભાગવત મહાપુરાણ , (સ્કંધ ૮ , અધ્યાય ૨૧ ), (૧૧ અધ્યાય , ૨૭ સ્કંધ)

देवावचक्षत गृहीतगदौ पराध्य केयुरकुण्डलकीरीविटकंवेषौ
मत्तद्विरेफवनमालिकया निवीतौ विन्यस्तयासितचतुष्टयबाहुमध्ये

–શ્રીમદ ભાગવત મહાપુરાણ (સ્કંધ ૩જો , અધ્યાય ૧૫)

તેઓ સમાન આયુવાળા , દેવતાઓમાં પણ શ્રેષ્ઠ દેખાતા , હાથમાં ગદા ધારણ કરી , બાજુબંધ, કુંડલ અને કિરીટ અનેક અમુલ્ય આભુષણથી અલંકૃત છે. . તેમનાં ચાર શ્યામ બાહુઓની વચ્ચે મદથી ભરપુર ગુંજન કરતાં  ભ્રમરથી  સુશોભિત વનમાલા છે. રૂપ , કાંતિ ,બળ અને સ્વભાવમાં તે ભગવાન સમાન છે.

યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ઘ્યાન અને સમાધિ , યોગનાં આઠ અંગ , એ વૈકુંઠનાં આઠ પગથિયાં છે.

यत्संकुलं हरिपदानतिमात्रदृष्टै वैंदुर्यमारकतहेममयैर्विमानैः ।

–શ્રીમદ ભાગવત મહાપુરાણ (સ્કંધ ૩ , અધ્યાય ૧૫)

અર્થાત: આ લોક વૈદૂર્ય, મરકત-મણી (પન્ના) , અને સુવર્ણ વિમાનોથી ભરેલો છે અને જેની પ્રાપ્તિ કોઈ કર્મ ફળથી નહીં પણ માત્ર ભગવાનનાં ચરણ કમળની વંદનાથી પ્રાપ્ત થાય છે.

यत्र नैःश्रेयसं नाम वनं कामदुर्घैद्रुमैः ।
सर्वर्तृश्रीभिर्विभ्राजत्कैवल्यमिव मूर्तिमत ||

–શ્રીમદ ભાગવત મહાપુરાણ (સ્કંધ ૩જો , અધ્યાય ૧૫)

અર્થાત: અહી નૈ:શ્રેયસ નામનું વન છે જે મૂર્તિમાન કૈવલ્ય જેવું  લાગે છે. એમાં દરેક પ્રકારની કામના પૂર્ણ કરવાવાળા વૃક્ષો છે.જે સ્વયં છો ઋતુઓની શોભાથી સંપન્ન છે.

अन्तःपुरं तु देवस्य मध्ये पुर्याम्मनोहरम्
मणिप्राकारसंयुक्तं रत्नतोरणशोभितम् १७

-પદ્મ પુરાણ , ઉત્તર ખંડ , અધ્યાય ૨૨૮

આ પુરીનાં મધ્ય ભાગમાં ભગવાનનું મનોહર અંત:પૂર છે જે મણિઓથી યુકત અને રત્નોથી શોભાયમાન છે.

मध्ये तु मंडपं दिव्यं राजस्थानं महोच्छ्रयम्
माणिक्यस्तंभसाहस्रजुष्टं रत्नमयं शुभम् १९

-પદ્મ પુરાણ , ઉત્તર ખંડ , અધ્યાય ૨૨૮

એ અંત:પુરનાં મધ્યમાં દિવ્ય મંડપ છે જ્યા પુણ્યશ્લોકી રાજાઓનાં ખાસ સ્થાન છે , જ્યા મહાઉત્સવ થાય છે, જે રત્નોનો બનેલો છે , જેન એક હજાર માણેકના સ્તંભ છે.

मध्ये सिंहासनं रम्यं सर्ववेदमयं शुभम्
धर्मादिदैवतैर्नित्यैर्वृंतवैदमयात्मकैः
धर्म्मज्ञानमहैश्वर्यवैराग्यैः पादविग्रहैः २१
ऋग्यजुःसामचाथर्वैरूपैर्नित्यं वृतं क्रमात्
शक्तिराधारशक्तिश्च चिच्छक्तिश्च सदाशिवा
धर्मादिदेवतानां च शक्तयः परिकीर्तिताः
वसंति मध्यमे तत्र वह्निसूर्यसुधांशवः २३
कूर्मश्च नागराजश्च वैनतेयस्त्रयीश्वरः
छंदासि सर्वमंत्राश्च पीठरूपत्वमास्थिताः २४

એ મંડપની મધ્યમાં દિવ્ય સિંહાસન છે જે સર્વવેદમય અને શુભ છે. વેદમય ધર્માદિ દેવતાઓ એ સિંહાસનને સદા ઘેરીને ઉભા હોય છે. ધર્મ, જ્ઞાન, ઐશ્વર્ય,વૈરાગ્ય તથા ઋગ્વેદઃ , યર્જુવેદ , સામવેદ અને અથર્વવેદ મૂર્તિમાન બનીને આ સિંહાસનની ચારે બાજુ ઉભા રહે છે. શક્તિ , આધાર શક્તિ, ચિચ્છક્તિ (ચૈતન્ય આપતી), સદાશિવા શક્તિ તથા ધર્માદિ દેવતાઓની શક્તિ ત્યાં ઉપસ્થિત રહે છે. સિહાંસનના મધ્યમાં , સૂર્ય , ચંદ્ર અને અગ્નિ નિવાસ કરે છે. કૂર્મ (કાચબો), નાગરાજ અનંત , ત્રણે વેદોનાં સ્વામી ગરુડ, છંદ અને સંપૂર્ણ મંત્ર એ સિંહાસનને પીઠ રૂપ ધારણ કરી રહે છે

सर्वाक्षरमयं दिव्यं योगपीठमिति स्मृतम्
तन्मध्येऽष्टदलं पद्ममुदयार्कसमप्रभम् २५
तन्मध्ये कर्णिकायां तु सावित्र्यां शुभदर्शने
ईश्वर्य्या सह देवेशस्तत्रासीनः परः पुमान् २६

એ પીઠ સર્વઅક્ષરોથી યુક્ત છે અને દિવ્ય યોગપીઠ કહેવાય છે. જેનાં મધ્યમાં અષ્ટકમલદલ છે જે ઉદયકાલીન સૂર્યનાં સમાન કાંતિમાન છે. જેનાં મધ્યમાં સાવિત્રી નામની કર્ણિકા છે જેમાં દેવતાઓનાં સ્વામી પરમ પુરુષ ભગવાન શ્રી વિષ્ણુ ભગવતી લક્ષ્મી જોડે વિરાજમાન થાય છે

पार्श्वयोर्धरणी नीले समासीने शुभासने
अष्टदिक्षु दलाग्रेषु विमलाद्याश्च शक्तयः ४८
विमलोत्कर्षिणी ज्ञानाक्रियायोगा तथैव च
प्रह्वी सत्या तथेशाना शक्तयः परमात्मनः ४९

આ અષ્ટદલની દિશામાં એક એક દળ પર આદિ શક્તિઓ સુશોભિત છે , જેમનાં નામ છે વિમલા, ઉત્કર્ષિણી, જ્ઞાન, ક્રિયા,યોગા, પ્રહ્લી, સત્યા અને ઈશાના – આ સર્વ પરમાત્માની પટરાણી છે

प्राच्यां वैकुंठलोकस्य वासुदेवस्य मंदिरम्
आग्नेय्यां लक्ष्म्यालोकस्तु याम्यां संकर्षणालयः ५६
सारस्वतस्तु नैरृत्या प्राद्युम्नः पश्चिमे तथा
रतिलोकस्तु वायव्यामुदीच्यामनिरुद्धभूः ५७
ऐशान्यां शांतिलोकः स्यात्प्रथमावरणं स्मृतम्
केशवादिचतुर्विंशत्यमी लोकास्ततः क्रमात् ५८

વૈકુંઠની પૂર્વ દિશામાં શ્રીવાસુદેવનું મંદિર છે , અગ્નિકોણમાં લક્ષ્મીજીનો લોક છે , દક્ષિણ દિશામાં શ્રીસંકર્ષણનો ભવન છે , નૈઋત્ય દિશામાં સરસ્વતીજીનો લોક છે , પશ્ચિમ દિશામાં શ્રી પ્રદ્યુમ્નનું મંદિર છે , વાયવ્યમાં રતિ લોક છે , ઉત્તરદિશામાં શ્રી અનિરુદ્ધજીનું સ્થાન છે , અને ઈશાનકોણમાં શાંતિલોક છે .આ ભગવાનનાં ભિન્ન ભિન્ન લોક છે

वैकुंठं परमं लोकं विष्णुलोकमनुत्तमम् ४३
श्वेतदीपं स्वरूपं तु क्षीरसागरमुत्तमम्
एवं चतुर्द्धा व्यूहं तु सम्यगुक्तं महर्षिभिः ४४

પરમશ્રેષ્ઠ વૈકુંઠલોક , વિષ્ણુ લોક , શ્વેતદ્વીપ , અને ક્ષીર સાગર – આ ચાર મહર્ષિઓ દ્વારા બતાવેલા હરિનાં ચાર વ્યૂહ છે

कामगाः कामचारिण्यः कामात्कामांश्च भुञ्जते।।

સંકલ્પ માત્રથી સેર્વ કામનાઓનો ઉપભોગ થાય છે.

ભગવાન શંકર શ્રી વિષ્ણુનું પરમ વ્રતનું  વર્ણન કરતાં કહે છે

वन्दितो हि स वन्देत मानितो मानयीत च।
अर्हितश्चार्हयेन्नित्यं पूजितः प्रतिपूजयेत्।।
दृष्टः पश्येदहरहः संश्रितः प्रतिसंश्रयेत्।
अर्चितश्चार्चयेन्नित्यं स देवो द्विजसत्तमाः।।
एतत्तस्यानवद्यस्य विष्णोर्वै परमं व्रतम्।

–મહાભારત , અનુશાસન પર્વ , અધ્યાય ૨૫૧

અર્થાત: જે એમની વંદના કરે છે , તેમની ભગવાન વંદના કરે છે , જે એમને આદર આપે છે , તેને પ્રભુ આદર આપે છે. એ જ પ્રકારે  અર્ચના કરનારની તેઓ અર્ચના કરે છે , એમની પૂજા કરનારને તેઓ પૂજે છે , જે એમનાં દર્શન કરે છે એમનાં પર સદા કૃપાદ્રષ્ટિ રાખે છે અને શરણાગતોને સદા શરણ આપે છે.  આ જ ભગવાન વિષ્ણુનું પરમ વ્રત છે.

શ્રીમદ ભાગવત મહાપુરાણ (સ્કંધ ૧૧ ,  અધ્યાય ૧૯ ) માં  ભગવાન સ્વયં કહે છે કે

अहिंसा सत्यमस्तेयमसङ्गो ह्रीरसञ्चयः
आस्तिक्यं ब्रह्मचर्यं च मौनं स्थैर्यं क्षमाभयम् |

અર્થાત: અહિંસા , સત્ય , અસ્તેય (ચોરી ના કરવી), અસંઙ્ગત્તા , લજ્જા, અસંચય, આસ્તિકતા, બ્રહ્મચર્ય , મૌન, સ્થિરતા , ક્ષમા  અને   અભય, આ બાર “યમ” બાર છે.

शौचं जपस्तपो होमः श्रद्धातिथ्यं मदर्चनम्
तीर्थाटनं परार्थेहा तुष्टिराचार्यसेवनम् |

અર્થાત: શૌચ (અંદર અને બાહરની પવિત્રતા), જપ , તપ , હવન , શ્રદ્ધા , અતિથી સેવા,  ભગવાનની પૂજા, તીર્થ યાત્રા , પરોપકારી ચેષ્ટા, સંતોષ, અને ગુરુસેવા , આ “નિયમ” પણ બાર છે:

પહેલા પાંચ અંગો – યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રતાયાહારને ‘બહિરંગ યોગ’ કહેવામાં આવે છે. જયારે છેલ્લા ત્રણ સમુહને ‘સંયમ’ કહેવામાં આવે છે. યોગ વિદ્યાથી આ દરવાજા પાર કરી ભગવાનને મળી શકાય છે. જે “જ્ઞાન માર્ગ” તરીકે પણ ઓળખાય છે . આ માર્ગ અત્યંત વિકટ છે

ભગવાનને મળવાનો બીજો સુલભ માર્ગ છે “ભક્તિ માર્ગ” . એમની ભક્તિ  નવ પ્રકારની છે :-  શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન.

ભગવાનને મળવાનો ત્રીજો સરળ પણ અતિ દુર્લભ માર્ગ છે : કૃપા માર્ગ. જો ભગવાન સામેથી વિના કોઈ કારણ આપણા પર દયા કરે અને દર્શન આપે તેને “કૃપા” માર્ગ કહેવાય છે.

પણ નારદજી યુધિષ્ઠિરને કહે છે કે:

तस्माद्वैरानुबन्धेन निर्वैरेण भयेन वा ।
स्नेहात्कामेन वा युत्र्जात कथत्र्चिन्नेक्षते पृथक ॥२५॥

–શ્રીમદ ભાગવત મહાપુરાણ ( સાતમો  સ્કંધ , ૧ અધ્યાય )

અર્થાત ભલે સુદ્રઢ વૈર ભાવ અથવા વૈરહીન ભક્તિભાવથી , ભયથી , સ્નેહથી,  અથવા કામનાથી  ગમે તે હોય , આપનું મન ભગવાનમાં પૂર્ણરૂપથી પરોવી ને જોડી લો. કારણ ભગવાનની દ્રષ્ટિમાં આ બધાં ભાવોમાં કોઈ ભેદ જ નથી .

 

અંતમાં ભગવાન શંકરે વિષ્ણુ સહસ્ત્રનામનું જ્ઞાન માતા પાર્વતીને આપીને જે ભગવાન વિષ્ણુ માટે કહ્યું હતું તે રજુ કરું છું

नास्ति विष्णोः परं धाम नास्ति विष्णोः परं तपः
नास्ति विष्णोः परो धर्मो नास्ति मंत्रो ह्यवैष्णवः ३०९
नास्ति विष्णोः परं सत्यं नास्ति विष्णोः परो मखः
नास्ति विष्णोः परं ध्यानं नास्ति विष्णोः परा गतिः ३१०

પદ્મ પુરાણ, ઉત્તર ખંડ , અધ્યાય ૭૧

અર્થાત –
ભગવાન વિષ્ણુથી મોટું કોઈ ધામ નથી, ભગવાન વિષ્ણુથી મોટું કોઈ તપ નથી
ભગવાન વિષ્ણુથી મોટો કોઈ ધર્મ નથી , ભગવાન વિષ્ણુથી અલગ કોઈ મંત્ર નથી
ભગવાન વિષ્ણુથી અલગ કોઈ સત્ય નથી, ભગવાન વિષ્ણુથી મોટો કોઈ જપ નથી
ભગવાન વિષ્ણુથી ઉત્તમ કોઈ ધ્યાન નથી, ભગવાન વિષ્ણુથી શ્રેષ્ઠ કોઈ ગતિ નથી

सर्वतीर्थमयो विष्णुः सर्वशास्त्रमयः प्रभुः
सर्वक्रतुमयो विष्णुः सत्यं सत्यं वदाम्यहम्

હું સત્ય સત્ય કહું છું – ભગવાન વિષ્ણુ સર્વતીર્થમય છે , ભગવાન વિષ્ણુ સર્વશાસ્ત્રમય છે અને ભગવાન વિષ્ણુ સર્વજ્ઞમય છે

 

~ સમાપ્ત ~