Archive for the ‘ભગવાન’ Tag

જાણવા જેવું : ભગવાન વિષ્ણુ ૧

ઘણા સમયથી ભગવાન વિષ્ણુ વિષે વાચેલું અને સંતો દ્વારા સરળ રીતે સમજાવેલું છતાં જટિલ વર્ણનને આ લેખ દ્વારા નિરૂપણ કરવાનો પ્રયત્ન કરું છું.

ऐश्रर्यस्य समप्रस्य धर्मस्य यशसरिश्रयः |
ज्ञानवैराग्योश्रैव षण्णां भग इतीरणा || ७४

(શ્રી વિષ્ણુ પુરાણ , અંશ ૬ , અધ્યાય ૫)

અર્થાત: સંપૂર્ણ ઐશ્વર્ય,ધર્મ, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય એ છ ગુણ જ્યાં એકઠા હોય તેને “ભગ” કહે છે. એ ભગ જેનામાં છે તે ભગવાન કહેવાય છે. ભગવાન શ્રી વિષ્ણુના ગુણ અનંત , અદ્વિતીય, અનાદિ, અવ્યક્ત , અવિનાશી , અને નિત્ય છે. એક શ્લોક મુજબ :

असितगिरिसमंस्यात् कज्जलं सिन्धुपात्रे सुरतरुवरशाखा लेखनी पत्रमुर्वी |
लिखति यदि गृहीत्वा शारदा सर्वकालं तदपि तव गुणानामीश पारं न याति ||

અર્થાત: જો કોઈ વિશાલ કાળા પર્વતની શાહી બનાવીએ , કોઈ અગાધ સાગરને ખડિયો બનાવીએ , કલ્પવૃક્ષને કલમ બનાવીએ , પૃથ્વીને તાડપત્ર બનાવીએ અને ભગવતી શારદાને લખવા માટે અનંત સમય આપીએ તો પણ લખતા ભગવાનના ગુણોનો પાર ના આવે.

શાસ્ત્રો એમને कर्तुं, अकर्तुं, अन्यथा कर्तुं समर्थः કહીને ઓળખાવે છે.

અર્થાત કંઈ કરવું , ના કરવું અને અન્યથા કંઈ પણ કરવામાં તે સમર્થ છે , કર્તવ્ય-અકર્તવ્ય, સંભવ-અસંભવ, સાધ્ય-અસાધ્ય જેવું કઈ તેમને માટે છે જ નહીં. તેમને માટે લૌકિક , અલૌકિક , દૈવિક , આધિદૈવિક અને આધ્યાત્મિક, વિષય ,વસ્તુ અને વિચારના સંબંધમાં કોઈ સીમા જ નથી.

શ્રીમદ ભાગવતમાં જણાવ્યું છે કે : –

त्वं वै समस्तपुरुषार्थमयः फलात्मा| ३८ ( ૧૦મો સ્કંધ (ઉતરાર્ધ) , ૬૦ મો અધ્યાય)

અર્થાત:- ભગવાન વિષ્ણુ પોતે જ સમસ્ત વૃત્તિ, પ્રવૃત્તિ, સાધન, સિદ્ધિ અને સાધ્યો નું ફળ સ્વરૂપ છે.

समस्तकर्मभोक्ता च कर्मोपकरणानि च ।
त्वमेव विष्णो सर्वाणि सर्वकर्मफलं च यत् || ७१ ||

(શ્રી વિષ્ણુ પુરાણ)

અર્થાત: ભગવાન વિષ્ણુ સમસ્ત કર્મોના ભોક્તા છે. એ કર્મોની સામગ્રી છે. અને સર્વ કર્મોનું ફળ તે સ્વયં છે.

स्वर्गापवर्गयोः पुंसां रसायां भुवि संपदाम् |
सर्वासामपि सिद्धीनां मूलं तच्चरणार्चनम् || १९

(  ૧૦મો સ્કંધ (ઉતરાર્ધ) , ૮૧ મો અધ્યાય)

અર્થાત : – સ્વર્ગ , મોક્ષ , પૃથ્વી અને રસાતળની સંપત્તિ અને સમસ્ત યોગસિદ્ધિની પ્રાપ્તિનું મૂળ તેમન ચરણની પૂજા છે.

अद्दष्ट्वान्यतमं लोके शीलौदार्यगुणैः समम् |

–શ્રીમદ ભાગવત , ૧૦મો સ્કંધ (ઉતરાર્ધ) , ૩ જો અધ્યાય

શીલ, સ્વભાવ , ઉદારતા અને અન્ય ગુણોમાં સંસારમાં તેમના સમાન કોઈ નથી.  તેમનાથી કોઈ શ્રેષ્ઠ નથી. તેમનાથી કોઈ જ્યેષ્ઠ નથી. તેઓ પરાકાષ્ઠા , પરાગતિ અને સર્વની અંતિમ ગતિ છે.

तद्ब्रह्म परमं नित्यमजमक्षयमव्ययम् |
अपक्षय विनाशाभ्यां परिणामर्धिजन्मभिः | (વિષ્ણુ પુરાણ)

ભગવાન વિષ્ણુ પોતે અકર્માં , અજન્મા , અરૂપ, અખંડ, અસંગ, અવ્યક્ત, અવ્યય અને અક્ષર છે. અને તેઓ જન્મ , વૃદ્ધિ, પરિણામ , ક્ષય , અને નાશ આ વિકારોથી રહિત છે

न हि परमस्य कश्चिदपरो न परश्च भवेद् | २९ -३

(શ્રીમદ ભાગવત, ૧૦ મો સ્કંધ (ઉતરાર્ધ) , ૮૭ મો અધ્યાય)

અર્થાત: તેમનું સ્વરૂપ મન અને વાણીનો વિષય નથી. વેદો તેમને ઓળખવા “નેતિ નેતિ” કહે છે. અર્થાત આ જે કાંઈ દેખાય છે, સંભળાય છે, જાણવામાં આવે છે કે જાણ બહારનું પણ જે કાંઈ છે તેનાથી કાંઈક પર , બીજું જ છે. આથી તેમને તર્ક અને સિદ્ધિથી જાણવું તથા સમજવું અશક્ય છે . તેથી તેમને નિર્વિકાર , નિરાકાર, નિ:સંગ , નિર્ગુણ અને સક્રિય જણાવાય છે. અને તે છતાં તેમનો વિગ્રહ (શરીર) સચ્ચિદાનંદઘન, નિત્યાઆનંદનો જણાવ્યો છે.

ભગવાન વિષ્ણુ કાળના પણ નિયંતા છે. તેઓ ભૂત, વર્તમાન, અને ભવિષ્યનાં સર્જક છે. તેમને સર્વસ્વતંત્ર , સર્વવ્યાપક , સર્વજ્ઞ, સર્વના સાક્ષી અને સર્વના અનન્ય કારણરૂપ સમજાય છે.
તેમ છતાં ब्रह्मन्ब्रह्मण्यनिर्देश्ये निर्गुणे गुणवृत्तयः | १ ( શ્રીમદ ભાગવત , ૧૦મો સ્કંધ (ઉતરાર્ધ) , ૮૭મો અધ્યાય) , તેઓ કાર્ય અને કારણથી પર છે અને સત્વ , રજ અને તામસ એ ત્રણ ગુણોથી પણ યુકત નથી.

આ જગતની ઉત્પતિ , સ્થિતિ અને પ્રલય એ તેમની ભ્રકુટિનો વિલાસ છે. વિષ્ણુપુરાણ વર્ણવે છે :

विष्णोः सकाशादुदूभूतं जगत्तत्रैव च स्थितम् ।
स्थतिसंयमकर्तासौ जगतोङस्य जगश्च सः ॥

અર્થાત : ‘આ સમસ્ત જડચેતનાત્મક જગત ભગવાન વિષ્ણુમાંથી પ્રકટયું છે, અને એમનામાં જ સ્થિતિ કરે છે. એ જગતના પાલક તથા વિનાશક છે, આ જગત એમનું જ સ્વરૂપ છે અથવા એ જગતરૂપ છે.’

(વધુ આવતા અંકે : તારીખ ડીસેમ્બર ૨૧ , ૨૦૧૨)