Archive for the ‘જીવન દૃષ્ટિ’ Category

જીવન દૃષ્ટિ – માથાકૂટ છે

જે કરવાનાં હતાં જ નહી એ કામ કર્યાની

માથાકૂટ છે,

મોરપિચ્છને હડસેલીને મુકુટ ધર્યાની

માથાકૂટ છે.

– કૃષ્ણ

 

રોજ પ્રતિજ્ઞાની શૈયા પર સૂતી વખતે એને થાતું,

ઈચ્છાને આધીન રહી આ નહી મર્યાની

માથાકૂટ છે.

– ભીષ્મ

 

સમજણની નજરેયથી ના સમજે તો સમજી લેવાનું

પુત્રમોહમાં આંખોએ અંધાર વર્યાની

માથાકૂટ છે.

– ધૃતરાષ્ટ્ર

 

આંખો પર પાટા બાંધો એ દ્રષ્ટિનું અપમાન જ છે ને

આમ જુઓ તો હકીકતોથી રોજ ડર્યાની

માથાકૂટ છે.

– ગાંધારી

 

નહીંતર એવી કંઈ મા છે જે વ્હાલ નદીમાં તરતું મૂકે ?

કુંવારા સપનાએ સૂરજ સહેજ સ્મર્યાની

માથાકૂટ છે.

– કુંતી

 

નથી જાણતા એમ નથી પણ કોઈ પૂછે તો એ બોલે છે,

જીવન બીજું કશું નથી, આ ભેદ ભર્યાની

માથાકૂટ છે.

– સહદેવ
ખેંચાતા વસ્ત્રોના કંઠે માંડ આટલા શબ્દો નીકળ્યાં,

હોય અંધના અંધ, એટલા વેણ ઝર્યાની

માથાકૂટ છે.

– દ્રૌપદી

 

સો સો હાથીનું બળ પણ લાચાર બની ચિત્કારી ઉઠ્યું,

વચનોમાં બાંધી બાંધી આ પળ ઉતર્યાની

માથાકૂટ છે.

– ભીમ

 

કવચ અને કુંડળની સાથે જીવ ઉતરડી પણ આપું કે ?

હોવું એ તો અકસ્માત છે, તેજ ખર્યાની

માથાકૂટ છે.

– કર્ણ

 

તાકેલો નિશ્ચય ધ્રૂજે તો એને તો કહેવું જ પડેને,

હા અથવા ના ની વચ્ચોવચ આમ ફર્યાની

માથાકૂટ છે.

– અર્જુન

 

અંગૂઠો ખોયાનો અમને રંજ હજુયે છે જ નહિં બસ..

ખોટી મૂરત સામે સાચા થઈ ઊભર્યાની

માથાકૂટ છે.

– એકલવ્ય

 

છેક સાતમા કોઠામાં ઘેરાયેલા સાહસને લાગ્યું,

માના કોઠામાંથી હોંકારા ઉચર્યાની

માથાકૂટ છે.

– અભિમન્યુ

 

મૃત્યુ સામે કપટ હારતુ લાગ્યું ત્યારે સમજાયેલું,

કેવળ પાસામાં જ અમારો જીવ ઠર્યાની

માથાકૂટ છે.

– શકુનિ

 

નરોકુંજરો વા ની વચ્ચે ભાંગી પડતી એ પળ બોલી

વિદ્યા વેચી વેચી સામે પાર તર્યાની

માથાકૂટ છે.

– દ્રોણ

 

થાકી હારી આંસુના તળિયે બેઠા ત્યાં તો સંભળાયું,

ધર્મ જાણવા છતાં અધર્મે રહી ઉછર્યાની

માથાકૂટ છે.

– દુર્યોધન
અંતહીન અંધારે મારગ ઘુવડ જેમ ભટકવું એ તો,

અર્ધા જીવતા રાખી અર્ધા પ્રાણહર્યાની

માથાકૂટ છે.

– અશ્વત્થામા

 

ક્યાં છે ને કેવું છે એ હું સમજાવું પણ કેવી રીતે ?

સત્ય એટલે મુટ્ટીમાંથી રેત સર્યાની

માથાકૂટ છે.

– યુધિષ્ઠિર
મહાકવિ તો કહેવાયા પણ સાચું કહું આ વ્યથાકથામાં,

ઓતપ્રોત થઈ ઊંડે ને ઊંડે વિચર્યાની

માથાકૂટ છે.

– વેદવ્યાસ

સર્જક – અજ્ઞાત