મનપસંદ કવિતા – મને ક્યારેય ના ફાવ્યું
ભીની આંખોથી રડવાનું
મને ક્યારેય ના ફાવ્યું.
ઉઘાડા એમ પડવાનું
મને ક્યારેય ના ફાવ્યું.
સહારો લાગણીનો લઈ અને આગળ વધી જાવું,
પછી એને કચડવાનું
મને ક્યારેય ના ફાવ્યું.
કદી આ આંગળી ઝાલી હતી એને જ તરછોડી,
શિખર સિદ્ધિના ચડવાનું
મને ક્યારેય ના ફાવ્યું.
રહું છું મસ્ત મારામાં, નથી પરવા જમાનાની,
કોઈને ક્યાંય નડવાનું
મને ક્યારેય ના ફાવ્યું.
ભલે હું જાત સાથે કેટલા યુદ્ધો કરી લઉં પણ,
બીજા સાથે જ લડવાનું
મને ક્યારેય ના ફાવ્યું.
સ્મરણના ગાઢ જંગલમાં આ જ્યારે જાત ખોવાણી,
ફરી ખુદને જ જડવાનું
મને ક્યારેય ના ફાવ્યું...!!!
– અજ્ઞાત
તમારી ટીપ્પણી