ભક્તોનું ઋણ (૭): દ્રૌપદી અને ઉત્તરાની કથા
મહાભારતના યુદ્ધનાં ભણકારા વાગી રહયા હતા, બંને પક્ષે એ જ વિશ્વાસ હતો કે પોતે જીતશે પણ એ પણ ખબર હતી કે મહાભયંકર સંહાર થશે. પાંડવ અને કૌરવોની પત્ની, તથા કુળવધુઓ – પોતાનાં વડીલ, અને કુળ બ્રાહ્મણ પાસે અંખડ સૌભાગ્યવતીનાં આશીર્વાદ લેવા જતી હતી.
અભિમન્યુની પત્ની ઉત્તરા દ્રૌપદીને મળવા આવી. એના ગર્ભમાં પાંડવોનો વંશજ પરીક્ષિત ઉછરી રહ્યો હતો. પોતાની પાસે ભાવપૂર્વક બેસાડી , માથે હાથ ફેરાવતા દ્રૌપદી બોલી “પુત્રી , કોઈ વર માંગ , અખંડ સૌભાગ્યવતી સિવાયનાં કોઈ પણ આશીર્વાદ તને આપી શકીશ. આજનાં સંજોગોમાં ભક્ત, ભગવાન અને બ્રાહ્મણ સિવાય કોઈનાં આ આશીર્વાદ ફળશે નહિ.”
દ્રૌપદીને ધર્મનું સૂક્ષ્મ જ્ઞાન હતું , આથી એ પાંચ પતિ હોવા છતાં પતિવ્રતામાં અગ્રણી ગણાતી હતી. એ વાત ઉત્તરા સમજતી હતી આથી આવા શબ્દોનું એણે જરા પણ માઠું ના લગાડ્યું પણ હવે શું માંગવું તેની મૂંઝવણ હતી.
ઉત્તરા બોલી “માતા , મને આશીર્વાદ ના આપો તો કોઈ વાંધો નથી પણ મને એવી ઉત્તમ સલાહ આપો જે આવનાર ઘોર યુદ્ધમાં મને મદદ કરે.”
દ્રૌપદી જાણે આવનાર અકળ ભવિષ્યમાં થનાર અચિંત્ય કૃત્યને જોતી હોય તેમ તેણે એક શુષ્ક હાસ્ય સાથે કહ્યું “પુત્રી, ભવિષ્યમાં ક્યારે પણ અત્યંત વિપત્તિ આવી પડે ત્યારે તું ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરજે , અને તને એ વિપદામાંથી જરૂર બચાવશે ”
આ વાત સાંભળીને ઉત્તરા અચરજ પામી. એ વિરાટ રાજાની પુત્રી હતી , ક્ષત્રિય ધર્મ એ સમજતી હતી. પોતાનાં પતિ અને શ્વશુરનાં પરાક્રમ જાણતી હતી એટલે તે આ સલાહ સમજી ના શકી.
એણે પૂછ્યું “માતા મારી ધૃષ્ટતા માફ કરજો પણ તમારી વાત ક્ષત્રાણીને છાજે એવી નથી. મારા પતિ અભિમન્યુ રથ-યૂથપતિઓનાં પતિ, એમનાં પિતા અર્જુન સમાન મહા પરાક્રમી અને તેજસ્વી છે. મારા શ્વસુર પાંડવોનો વેગ , પ્રહાર અને સંઘર્ષ અમાનુષિ શક્તિથી સંપન્ન છે અને તેમનો સામનો દેવ , દાનવ , નાગ , કિન્નર અને મનુષ્યમાં કોઈ કરી શકે તેમ નથી. તેમ છતાં તમે શ્રી કૃષ્ણનું શરણ લેવાનું કહો છો ?”
દ્રૌપદીનાં મુખ પર એક અણગમતી યાદની છાયા પ્રસરી પણ સાથે એ દીનદયાળુનું સ્મરણ થયું જેણે એનીઆબરૂની રક્ષા કરી હતી અને એક રાહત સાથે બોલી ”
सुता द्रुपदराजस्य वेदिमध्यात्समुत्थिता।
धृष्टद्युम्नस्य भगिनी तव कृष्ण प्रिया सखी ।।
आजमूढकुलं प्राप्त स्नुषा पाण्डोर्महात्मनः ।
महिषी पाण्डुपुत्राणां पञ्चेन्द्रसमवर्चसाम् ।।
साऽहं केशग्रहं प्राप्ता परिक्लिष्टा सभां गता।
पश्यतां पाण्डुपुत्राणां त्वयि जीवति केशव ।।
जीवस्तु पाण्डुपुत्रेषु पञ्चालेष्वथ वृष्णिषु।
दासीभाताऽस्मि पापानां सभामध्ये व्यवस्थिता ।।
निरमर्षेष्वचेष्टेषु प्रेक्ष्यमाणेषु पाण्डुषु ।
पाहि मामिति गोविन्द मनसा चिन्तितोसि मे ।।
– મહાભારત , ઉદ્યોગ પર્વ , અધ્યાય ૫
અર્થાત : હું મહારાજ દ્રુપદની પુત્રી છું , યજ્ઞવેદીનાં મધ્ય ભાગમાંથી હું જન્મી છું. હું ધૃષ્ટદ્યુમ્નની બહેન છું અને ભગવાન શ્રી કૃષ્ણની પ્રિય સખી છું. હું પરમ પ્રતિષ્ઠ અજમીઢ કુળમાંથી પરણાવીને લાવવામાં આવી છું. મહારાજ પાંડુની પુત્રવધુ અને પાંચ ઇંદ્રના સમાન તેજસ્વી પાંડુપુત્રોની પટરાણી છું . આટલી ભાગ્યશાળી અને સન્માનીત હોવા છતાં કૌરવોની એ દ્યુત સભામાં પાંડવોનાં દેખતાં કેશ ઘસડીને સભામાં લાવવામાં આવી અને વારંવાર અપમાન કરીને ક્લેશ આપવામાં આવ્યો. પાંડવ, પાંચાલ અને યાદવોની હયાતીમાં પાપી કૌરવોની દાસી બનવું પડ્યું અને એક સ્ત્રી , એમાં પણ કુલવધૂ અને રજસ્વલા હોવા છતાં સભા વચ્ચે ઉપસ્થિત થવું પડયું . પાંડવોએ આ બધું જોયું તે છતાં ના એમને ક્રોધ આવ્યો અને ના મને એ લોકોના હાથમાંથી છોડાવાની ચેષ્ટા કરી – ત્યારે અત્યંત અસહાય સમજીને મેં મનોમન ભગવાન વાસુદેવ શ્રીકૃષ્ણને યાદ કર્યા “- હે ગોવિંદ મારી રક્ષા કરો – તમારા સિવાય મારું કોઈ નથી ”
એ સમયે ભગવાન દ્વારકામાં બહુ વિચલિત હતા. એમની અત્યંત પ્રિય ભક્ત પર સંકટ આવી પડ્યું હતું. રુક્મણિ એમને દુ:ખનું કારણ પૂછે છે ત્યારે ભગવાન જણાવે છે કે મારો સૌથી પ્રિય ભક્તને ભરી સભામાં નગ્ન કરવામાં આવી રહી છે . રુક્મિણી કહે છે તો તમે મદદ કરવા કેમ નથી જતાં ?
ભગવાન કહે છે ” જયાં સુધી એ મને બોલાવે નહીં , યાદ ના કરે , ત્યાં લગી હું કેવી રીતે એની પાસે જાઉં ?, એક વખત એ પોકાર કરી બોલાવે , ત્યાર બાદ હું પળ વારમાં એની વહારે પહોંચી જાઉં. તને યાદ હશે પાંડવોનાં રાજસૂર્ય યજ્ઞ વખતે , મેં શિશુપાલનાં વધ માટે મારી આંગળી ઉપર સુદર્શન ચક્ર ધારણ કર્યું હતું અને આથી મારી એ આંગળી ઘાયલ થઇ હતી અને એમાંથી અવિરત રક્તધારા વહેવા લાગી. એ સમયે મારી સોળ હજાર એકસો આઠ રાણીઓ ત્યાં હતી , જે ગભરામણમાં વૈદ્યને બોલાવાથી માંડીને ઐષધી લેવા, અને ઉપચાર શોધવા નીકળી પડી. ત્યારે દ્રૌપદીએ એની અત્યંત કિંમતી સાડીનો છેડો ફાડીને મારી આંગળી પર બાંધીને એ લોહીની ધાર બંધ કરી હતી આ વાત હું ક્યારેય નહીં ભૂલું ”
ભગવાને એ વાતનું ઋણ ચૂકવવું હતું – પણ ભક્ત વત્સલ ભગવાન બોલાવ્યા વિના ક્યારેય આવતાં નથી.
અત: જેવું મેં એમનું સ્મરણ કર્યું તેઓ મારા ચીર પુરવા દોડતાં આવ્યા. આથી હું ધર્મ સમંત વાત કહું છું કે શ્રી કૃષ્ણ યદુ વંશમાં પ્રગટ થનાર , મનુષ્ય લીલા કરનાર , તારા મામજી નથી પણ સાક્ષાત પૂર્ણ પુરષોત્તમ પરબ્રહ્મ છે, અને તેમનું શરણ લેવું એ કોઈ અધર્મ નથી.
ઉત્તરાએ આ વાત મનમાં ગાંઠ મારીને સાચવી રાખી.
ભવિષ્યમાં જ્યારે દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામાએ પાંડુકુળનો નાશ કરવાની ઈચ્છાથી બ્રહ્માસ્ત્ર ઉત્તરાના ગર્ભમાં પ્રેરિત કર્યું, એ વખતે પાંડવોની વિદાય લઈ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારિકા જવા રથ પર બેસવા જતા હતા. ત્યારે એ અબળા પોતાનાં કોઈ પણ શ્વસુરપાંડવ પાસે મદદ માંગવા ના ગઈ.
મહારાજ યુધિષ્ઠિર જે સાક્ષાત ધર્મરાજનું સ્વરૂપ છે , અને જે મહાવિજય પ્રાપ્ત કરીને હસ્તિનાપુરમાં એક ચક્ર રાજ કરે છે – તે છતાં એમની પાસે મદદ માંગવા ના ગઈ.
દસ હજાર હાથીઓનું બળ ધરાવનાર અને આઠ રથીઓ સમાન ગદાયુદ્ધમાં નિપૂણ ભીમ પાસે મદદ માંગવા ના ગઈ.
ધર્નુરધારીઓમાં જે શ્રેષ્ઠ છે , જેણે પોતાની ધર્નુર વિદ્યાથી પિનાકપાણિ ભગવાન શંકરને યુદ્ધમાં તૃપ્ત કર્યા હતાં , જેણે ભીષ્મ અને કર્ણ જેવા મહાન યોદ્ધાઓનો નાશ કર્યો હતો એવા અર્જુન પાસે મદદ માંગવા ના ગઈ.
ખડ્ગ યુદ્ધમાં પ્રવીણ સહદેવ અને મહાન રથી નકુલ – પાસે પણ મદદ માંગવા ના ગઈ.
અંતઃપુરથી દોડતી આવીને ઉત્તરા ભગવાન શ્રીકૃષ્ણ શરણમાં ગઈ –
उत्तरोवाच
पाहि पाहि महायोगिन् देवदेव जगत्पते ।
नान्यं त्वदभयं पश्ये यत्र मृत्युः परस्परम् ॥ ९ ॥
अभिद्रवति मामीश शरस्तप्तायसो विभो ।
कामं दहतु मां नाथ मा मे गर्भो निपात्यताम् ॥ १० ॥
–શ્રીમદ ભાગવત મહાપુરાણ , સ્કંધ ૧, અધ્યાય ૮
અર્થાત
હે મહાયોગી, દેવોના દેવ, જગત્પતિ, રક્ષણ કરો, રક્ષણ કરો. જ્યાં બધા એકબીજાના મૃત્યુનું કારણ બને છે ત્યાં તમારા વિના બીજું કોઈ અભય આપનારું દેખાતું નથી. હે પ્રભુ ! અગ્નિ ઝરતું લોહબાણ મારી તરફ આવે છે. તે ભલે મને બાળે પણ મારો ગર્ભ પડી ન જાય તેમ કરો. મારા બાળકનો નાશ ન થાય તેવી કૃપા કરો.”
ભગવાન તો દીનબંધુ છે તેઓ સર્વ જ્ઞાની છે , તેઓ જાણતાં હતા કે બ્રહ્માસ્ત્ર અમોઘ છે અને તેનું નિવારણ માટે આ જગતમાં કોઈ ઉપાય નથી. આથી તેમણે ઉત્તરાની રક્ષા સુદર્શન ચક્ર વડે કર્યું આથી તેને કોઈ આંચ ના આવે. પણ સંસારનાં નિયમ પાળવાનાં હતા અને સાથે બ્રહ્માસ્ત્રનું માન તો રાખવાનું હતું આથી એ બ્રહ્માસ્ત્રને ઉત્તરાનાં ગર્ભ પર ત્રાટકવા દીધું પણ
क्षतजाक्षं गदापाणिं आत्मनः सर्वतो दिशम् ।
परिभ्रमन्तं उल्काभां भ्रामयन्तं गदां मुहुः ॥ ९ ॥
–શ્રીમદ ભાગવત મહાપુરાણ , સ્કંધ ૧, અધ્યાય ૧૨
અર્થાત – હાથમાં અગ્નિ સમાન તેજ પ્રસરાવતી ગદા લઈને ઉત્તરાનાં ગર્ભની અંદર પ્રવેશ કરીને એનાં ગર્ભની સર્વ દિશામાં ઘૂમી રહયા હતાં . વારંવાર એ બાળકની આજુબાજુ એ ગદા ફેરવી બ્રહ્માસ્ત્રનાં તેજને શાંત કરી રહયાં હતા આથી એ ગર્ભમાં સ્થિત બાળકનાં શરીરને ભસ્મ થતાં રોકી શકે.
એ ગર્ભ નું બાળક જન્મતાંવેંત મૃત પામેલું . પણ ભગવાને ભક્તોની રક્ષા માટે લીધેલી પ્રતિજ્ઞા માટે , પોતાની સત્ય વચન અને ધર્મ નિષ્ઠાના પ્રભાવ વડે એ બાળકને ફરી જીવિત કર્યું .
ભગવાન કહે છે હું મારા ભક્તોનું ઋણ અનેક જન્મો સુધી નથી ચૂકવી શકતો
તમારી ટીપ્પણી