બોધ કથા – સફળતાની ગતિ
એક વખત એક પ્રવાસી અજાણ્યા ગામમાં આવી પહોંચ્યો . લાંબી મુસાફરી કરી થાકી ગયો હોવાથી રહેવા માટે વિશ્રાંતિગૃહ (હોટેલ) શોધી રહ્યા હતો. ત્યાં સામે એને એક સુફી સંત દેખાયા.
તેણે એ સંતને પુછ્યું.” ગામમાં કોઈ સરસ આરામ કરવાનું ઠેકાણું છે ?
એ સંતે ટુકમાં જવાબ આપ્યો “હા”.
તે પ્રવાસીએ ફરી પુછ્યું “તમે એનું સરનામું (address) જણાવશો ?”
સંતે કહ્યું “ગામમાં માત્ર એક ઈમારત જે બે માળની છે તે જ જગા છે”
પ્રવાસીએ આભાર માનતા છેલ્લો પ્રશ્ન પૂછ્યો “અહીંથી ત્યાં લાગી પહોંચતા કેટલી વાર લાગશે?”
સંત મૌન રહ્યાં. પ્રવાસીને લાગ્યું તેમને પ્રશ્ન સાંભળ્યો નથી આથી ફરી પુછ્યું ” અહીંથી કેટલું દુર છે અને કેટલો સમય લાગશે?”
સંત ફરી મૌન રહ્યાં પ્રવાસીને લાગ્યું કે તેમને ધનની કોઈ આશા લાગે છે આથી તે ગજવામાંથી થોડા રૂપિયા કાઢવા ગયો પરંતુ સંતે ઇશારાથી ના પાડી.
પ્રવાસીને નવાઈ લાગી. એને થયું આ સંતે એને બધા સવાલનો જવાબ આપે છે પણ આ એક પ્રશ્નનો જવાબ કેમ નથી આપતાં. તેણે મનમાં વિચાર્યું કે આ કોઈ અઘોરી લાગે છે અને કદાચ ખોટે માર્ગે ના મોકલે એટલે આગળ ફરી કોઈ જોડે ખાતરી કરી લઈશ.
એને સંતનો આભાર માની આગળ વધ્યો. હજી તો તેણે માણ ૧૦ ડગલાં લીધા હશે ત્યાં સંતે બૂમ પાડી તે પ્રવાસીને કહ્યું “તમને પહોંચતા આશરે ૧૦ મિનીટ થશે”
હવે પ્રવાસીને આ વાત બહુ ગુઢ લાગી, તે પાછો એ સંત પાસે આવ્યો અને પુછ્યું ” બાબા, મેં તમને બે વખત પુછ્યું ત્યારે તમે જવાબ ના આપ્યો અને જ્યારે ચાલવાનું શરૂ કર્યું કે તરત જણાવ્યું, આમ કેમ ? તમે મને પહેલા જવાબ કેમ ના આપ્યો જ્યારે હું તમારી સામે ઉભો હતો?”
સંતે સ્મિત કરતાં જવાબ આપ્યો ” ભાઈ, તમારા પહેલા બે જવાબ સરળ હતાં તેથી મેં તેના જવાબ તરત આપ્યાં, પણ છેલ્લો સવાલ જરા અઘરો હતો, આથી પાછળથી આપ્યો”
હવે એ પ્રવાસીને થયું નક્કી આ વાતમાં કઈક રહસ્ય છે. તેણે પુછ્યું ” ત્રીજો સવાલ અઘરો કેમ છે?”
સંતે જણાવ્યું “મને ખબર ન હતી કે તમે કેટલા થાકી ગયા છો અને કેટલી ઝડપથી ચાલો છો આથી તમે કેટલી વારમાં પહોચશો, આ તો જેવા તમે ચાલવા માંડ્યા અને મને અંદાજ આવી ગયોં આથી મેં તમને ત્રીજો જવાબ પાછળથી આપ્યો ”
આ દ્રષ્ટાંત કથા દ્વારા એમ જણાવવાનો પ્રયત્ન છે કે તમને જીવનમાં કેવી અને કેટલી સફળતા મળશે તે તમારા સવાલ પર નિર્ભર નથી પણ તમારા પ્રયત્નો પર નિર્ભર છે.
તમારી ટીપ્પણી