છેલ્લે તો આપણે બે જ હોઈશું – મૃગાંક શાહ
છેલ્લે તો આપણે બે જ હોઈશું
ભલે ઝગડીએ , ક્રોધ કરીએ ,
એક બીજા પર તૂટી પડીએ,
છેલ્લે તો આપણે બે જ હોઈશું
જે કહેવું હોય એ કહી લે ,
જે કરવું હોય એ કરી લે,
એકબીજાનાં ચોકઠાં શોધવા,
છેલ્લે તો આપણે બે જ હોઈશું
હું રીસાઇશ તો તું મને મનાવજે
તું રીસાઇશ તો હું મને મનાવીશ
એકબીજાને લાડ લડાવવા,
છેલ્લે તો આપણે બે જ હોઈશું
આંખો જયારે ઝાંખી થશે ,
યાદ શક્તિ પણ પાંખી થશે,
ત્યારે એક બીજાને શોધવા ,
છેલ્લે તો આપણે બે જ હોઈશું
ઘુંટણ જ્યારે દુ:ખતા થશે ,
કેડ પણ વળવી મુશ્કેલ થશે,
ત્યારે એકબીજાનાં પગના નખ કાપવા ,
છેલ્લે તો આપણે બે જ હોઈશું
મારાં રીપોર્ટસ તદ્દન નોર્મલ છે .
હું એકદમ ઓલ રાઈટ છું,
એમ કહી એકબીજાને છેતરવા ,
છેલ્લે તો આપણે બે જ હોઈશું
સાથ જયારે છુટી જશે ,
વિદાયની ઘડી આવી જશે ,
ત્યારે , એક બીજાને માફ કરવાં ,
છેલ્લે તો આપણે બે જ હોઈશું
— કવિ શ્રી મૃગાંક શાહ
આ કવિતા કવિ શ્રી મૃગાંક શાહ જે વડોદરા માં રહે છે એમની છે.
LikeLiked by 1 person
આભાર 🙏🏼
LikeLike