પૌરાણિક દ્રષ્ટાંત કથા – બ્રહ્મર્ષિ
એક સરસ પૌરાણિક કથા વાંચી હતી જે અહી રજુ કરું છું.
વિશ્વામિત્ર જન્મથી ક્ષત્રીય હતાં. પણ તેઓ કર્મથી બ્રાહ્મણ બન્યા હતાં. કથા ત્યાંથી શરૂ થાય છે જયારે તેઓ પૃથ્વીપતિ હતાં.
गाधे: पुत्रो महातेजा विश्वामित्रो महामुनि:।
વિશ્વામિત્ર , જે મહા-પ્રતાપી રાજા ગાધિનાં પુત્ર હતાં, અત્યંત તેજસ્વી હતાં
विश्वामित्रो महातेजा: पालयामास मेदिनीम्।
बहुवर्षसहस्राणि राजा राज्यमकारयत्
અર્થાત : વિશ્વામિત્ર મહા-તેજ ધારણ કરનાર રાજા હતો જેણે હજારો વર્ષો પર્યંત પૃથ્વી ઉપર રાજ કર્યું હતું.
રાજા તરીકે ઘણાં પ્રજા વત્સલ હતાં. તેમને કર્મકાંડનું ઊંડાણમાં જ્ઞાન હતું અને ઘણાં યજ્ઞો પણ કર્યાં હતાં. તેથી એક અભિમાન તેમનામાં અપ્રગટ થઇ રહેતું હતું કે તેમના મુકાબલે જગતમાં બહુ ઓછા હશે જે આવું જ્ઞાન અને બળ ધરાવે છે.
એકવાર રાજા વિશ્વામિત્ર સૈન્ય સહિત મૃગયા રમવા નીકળ્યો, રસ્તામાં બ્રહ્મર્ષિ વસિષ્ઠનો આશ્રમ આવ્યો.
वसिष्ठस्याश्रमपदं ब्रह्मलोकमिवापरम्।
ददर्श जयतां श्रेष्ठो विश्वामित्रो महाबल:|
વિશ્વભરના વિજેતાઓમાં શ્રેષ્ઠ અને મહ-બળવાન વિશ્વામિત્રે બ્રહ્મર્ષિ વસિષ્ઠનો આશ્રમ જોયો અને લાગ્યું કે તે બ્રહ્મલોક સમાન છે. બ્રહ્મર્ષિએ વિશ્વામિત્ર અને તેની અક્ષૌહિણી સેનાનો આતિથ્યસત્કાર કરવાનો આગ્રહ કર્યો . વિશ્વામિત્રે વિચાર્યું કે ઋષિ કઈ રીતે આટલી મોટી સેનાનો યોગ્ય રીતે સત્કાર કરશે પણ વિચાર્યું કે ઋષિ પોતે આગ્રહ કરે છે તો આ પરોણાગત પણ જોઈ લઈએ . આથી તેમને મંજૂરી આપી.
एवमुक्तो महातेजा वसिष्ठो जपतां वर:।
आजुहाव तत: प्रीत: कल्माषीं धूतकल्मष:।
મહાન તપસ્વી અને યોગ વિદ્યામાં શ્રેષ્ઠ વસિષ્ઠે કામધેનુ “શબલા” ને બોલાવી અને આજ્ઞા કરી કે રાજા અને તેની સેનાને યોગ્ય અનેક જાતના પકવાન અને મિષ્ઠાનનો પ્રબંધ કરે. તેમની આગતા-સ્વાગતમાં કોઈ પણ જાતની કચાશ ના રહે.કામધેનુએ સર્વ રીતે રાજા, તેનાં મંત્રી, અને સેનાની સર્વ કામના પૂરી કરી અને સંપૂર્ણ સંતોષ પ્રદાન કર્યો . આ જોઈ ક્ષાત્ર-તેજથી યુક્ત વિશ્વામિત્રને થયું કે આ ગાય તેમના મહેલમાં શોભે. તેણે વસિષ્ઠને કહ્યું
गवां शतसहस्रेण दीयतां शबला मम।
रत्नं हि भगवन्नेतद्रत्नहारी च प्रार्थिव:।
અર્થાત: હું તમને ૧૦૦,૦૦૦ ગાય આપીશ તમે મને “શબલા ” આપો . રાજા રત્નો ભેગા કરે છે અને આ કામધેનું તો અવમુલ્ય રત્ન છે.
नाहं शतसहस्रेण नापि कोटिशतैर्गवाम्।
राजन्! दास्यामि शबलां राशिभी रजतस्य च ।
અર્થાત: વશિષ્ઠ આ સાંભળી ચોંકી ગયા અને કહ્યું ” હું તમને “શબલા” કોઈ સંજોગોમાં નહીં આપું ભલે તમે મને દશ હજાર કે લાખ ગાય આપો કે ચાંદીનાં ભંડાર આપો .”
हैरण्यकक्ष्याग्रैवेयान् सुवर्णाङ्कुशभूषितान्।
ददामि कुञ्जरांस्तेषां सहस्राणि चतुर्दश।।
हैरण्यानां रथानां च श्वेताश्वानां चतुर्युजाम्।
ददामि ते शतान्यष्टौ किङ्किणीकविभूषितान्।।
हयानां देशजातानां कुलजानां महौजसाम्।
सहस्रमेकं दश च ददामि तव सुव्रत!।।
नानावर्णविभक्तानां वयस्स्थानां तथैव च ।
ददाम्येकां गवां कोटिं शबला दीयतां मम।।
અર્થાત: વિશ્વામિત્ર પોતાની શક્તિ અને અભિમાનના નશામાં બ્રહ્મર્ષિ વસિષ્ઠને અનેક પ્રલોભન આપ્યાં – ચૌદ હજાર હાથી સોનાથી શણગારેલા અને સોનાથી લાદેલ અંબાડી આપીશ . આઠસો ઘુઘરીવાળા ચાર શ્વેત ઘોડાથી જોડાયેલા સુંદર રથ આપીશ .
અગિયાર હજાર ઉચ્ચ જાતિનાં અને ઉત્તમ વેગનાં અશ્વ આપીશ . એક કરોડ વિવિધ વર્ણની સુકુમાર ગાય આપીશ . મને “શબલા ” આપો.
एतदेव हि मे रत्नमेतदेव हि मे धनम्।
एतदेव हि सर्वस्वमेतदेव हि जीवितम्।।
અર્થાત: વશિષ્ઠે રાજાનો અહંકાર જોઈ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું ” આ “શબલા ” મારું ધન છે અને મારું રતન છે . એ જ્મારું સર્વસ્વ છે અને મારું જીવન છે – આથી હું “શબલા” નહીં આપું ભલે .”
અને ઋષિની ના છતાં બળાત્કારે કામધેનુ લઈ જવા રાજા તૈયાર થયા. “શબલા ” તો ઋષિ તરફ જોઈ રહી. ઋષી અને તેમની પત્ની અરુંધતીએ તેને પોતાની દીકરી કરતા પણ વધારે વ્હાલથી સાચવી હતી. આથી વિશ્વામિત્ર જોડે જવા તે તૈયાર ના હતી. વશિષ્ઠ ઋષિ પોતે બ્રહ્મર્ષિ હતાં. પોતાના તપના બળથી રાજાને દંડ આપવામાં સક્ષમ હતાં પણ તે બ્રાહ્મણ હતાં. મન, વચન અને કર્મથી વિશુદ્ધ હતાં. હર-હંમેશ સર્વનું કલ્યાણ ઈચ્છતા. આથી તેમણે વિશ્વામિત્રને કાંઈ કહેવામાં યોગ્ય નાં લાગ્યું. પણ તેમણે કામધેનુ “શબલા “ને કહ્યું કે
न हि तुल्यं बलं मह्यं राजा त्वद्य विशेषत:।
बली राजा क्षत्रियश्च पृथिव्या: पतिरेव च।।
અર્થાત:”મારી શક્તિ આ રાજા સમાન નથી . એક તો એ રાજા છે ઉપરાંત ક્ષત્રીય છે અને તે શક્તિશાળી અને પૃથ્વીપતિ છે”. પોતે એની રક્ષા કરવામાં કે રાજાને રોકવામાં સમર્થ નથી.
इत्युक्तस्तु तया राम वसिष्ठ स्सुमहायशा:।
सृजस्वेति तदोवाच बलं परबलार्दनम्।।
છતાં જો તે અહીં રહેવા માંગતી હોય તો તારું પોતાનું બ્રહ્મ બળ પોતાની રક્ષા કરવા માટે વાપર અને આવી સેના ઉત્પન્ન કર જે તારા શત્રુઓનો નાશ કરે અને તરત જ નંદિનીમાંથી અસંખ્ય પુરુષો પ્રગટ થયા, તેણે વિશ્વામિત્રના સર્વ સૈન્યનો નાશ કર્યો. રાજા લજ્જા પામી પોતાને નગર પાછો આવ્યો.
तदेतत्समवेक्ष्याहं प्रसन्नेन्द्रियमानस:।
तपो महत्समास्थास्ये यद्वै ब्रह्मत्वकारणम्।।
વિશ્વામિત્રને જ્ઞાન થયું અને સ્વચ્છ મન તથા સ્પષ્ટ અંત:કરણથી સમજાયું કે “મારે ઉગ્ર તપસ્યા કરી બ્રહ્મ શક્તિ પ્રાપ્ત કરવી પડશે”. ક્ષત્રિયબળ કરતાં બ્રહ્મતેજનું પરાક્રમ ચડિયાતું છે એમ તેને ખાતરી થવાથી તેણે હજારો વર્ષ તપ કર્યું. તેમને ગાંઠ બાંધી કે હું વશિષ્ઠ ઋષિને નમાવીને જંપીશ. અને તેમણે બ્રહ્માજીને પ્રસન્ન કરવા તપ આદર્યું. બ્રહ્માજી એમના તપથી ખુશ થયાં અને વરદાન માંગવા કહ્યું. વિશ્વામિત્રજી એ “બ્રહ્મર્ષિ” નું પદ માંગ્યું
पूर्णे वर्षसहस्रे तु ब्रह्मा लोकपितामह:।
अनेन तपसा त्वां तु राजर्षिरिति विद्महे।
પણ બ્રહ્માજીએ તેમને “રાજર્ષિ” નું પદ આપ્યું. વિશ્વામિત્રજી ઉત્સાહથી તે પદ સ્વીકારી ફરી વશિષ્ઠ મુનિને આશ્રમે ગયા. ઋષીએ તેમનો આદર-સત્કાર કર્યો અને “રાજર્ષિ”નું સબોધન કર્યું પણ વંદન ના કર્યાં.
तपश्च सुमहत्तप्तं राजर्षिरिति मां विदु:।
देवास्सर्षिगणास्सर्वे नास्ति मन्ये तप:फलम्।।
આટલું ઉગ્ર તપ કરવા છતા ઋષિ અને દેવોએ તેમને રાજર્ષિનું પદ આપ્યું . આ તપનું ફળ વ્યર્થ છે. વિશ્વામિત્રજીને ભારે અસંતોષ થયો.
વિશ્વામિત્રજીએ બીજું ઉગ્ર તપ આદર્યું .
पूर्णे वर्षसहस्रेतु ब्रह्मा सुरुचिरं वच:।
ऋषिस्त्वमसि भद्रं ते स्वार्जितै: कर्मभिश्शुभै:।
ફરી હજાર વર્ષોનું તપ સમાપ્ત થતાં બ્રહ્માજી ફરી પ્રગટ થયા અને વિશ્વામિત્રજીને “ઋષિ”નું સન્માન આપ્યું. પણ આ પદ તેમને ગૌણ લાગ્યું એટલે ફરી ઉગ્ર તપ આદર્યું.
तस्य वर्षसहस्रं तु घोरं तप उपासत:।
महर्षे स्वागतं वत्स तपसोग्रेण तोषित:।
महत्त्वमृषिमुख्यत्वं ददामि तव कौशिक! ।
પાછું હજાર વર્ષોનું ઉગ્ર અને મહાન તપ કરી બ્રહ્માજીને પ્રસન્ન કર્યાં અને તેમને વિશ્વામિત્રજીને “મહર્ષિ”નું પદ પ્રાપ્ત કર્યું, જે ઋષિઓમાં મુખ્ય છે.
ફરી એક વખત વિશ્વામિત્રજી વશિષ્ઠ મુનિને આશ્રમે ગયા. આ ટાણે ઋષીએ તેમનો ઘણો આદર કર્યો , “મહર્ષિ”નું સબોધન કર્યું અને વંદન પણ કર્યાં. પણ વિશ્વામિત્રજીને લાગ્યું કે વશિષ્ઠજીના વર્તનમાં ઉમળકો નથી. હવે તેમને દ્વેષ ભાવ થયો. તેમને વિચાર આવો કે માત્ર “બ્રહ્મર્ષિ”નું પદ પ્રાપ્ત કરવાથી તેઓ વશિષ્ઠ ના સમકક્ષ થશે અને યોગ્ય સન્માન પામશે.
આવા વિચાર સાથે તેમને એક મહાન, ઘોર અને હજારો વર્ષ લાંબુ દિવ્ય તપ કર્યું. બ્રહ્માજી તેમના આ તપથી અત્યંત ખુશ થયાં અને વિશ્વામિત્રજીને વરદાન માંગવા કહ્યું. વિશ્વામિત્રજી એ “બ્રહ્મર્ષિ” બનવાનું માંગ્યું . બ્રહ્માજીએ કહ્યું હું તમને અત્યંત દુર્લભ એવું “દેવર્ષિ” નું પદ આપુ છું. વિશ્વામિત્રજી હવે તપ કરી થાક્યા હતાં, તેમને જાણવું હતું કે આ “બ્રહ્મર્ષિ” નું પદ કેવી રીતે મેળવી શકાય. તેમણે બ્રહ્માજી પૂછ્યું. બ્રહ્માજીએ વિશ્વામિત્રજીના કલ્યાણ કરવાના વિચારથી જણાવ્યું કે એનો રસ્તો તો માત્ર બ્રહ્મર્ષિ વશિષ્ઠ જણાવી શકે આથી તમે તેમની પાસે જાઓ.
વિશ્વામિત્ર તપ કરી ઘણા નિર્મળ થાય હતાં. તેમનામાં દીન્ત્વ અને નિરભિમાનત્વ ગુણોનો પાદુર્ભાવ થયો હતો. આથી તેઓ ત્યાંથી બ્રહ્મર્ષિ વશિષ્ઠને આશ્રમે પહોચ્યાં. તે જ વખતે વશિષ્ઠ અને તેમની પત્ની અરુંધતી વચ્ચે વાર્તાલાપ ચાલતો હતો જે વિશ્વામિત્રે સાંભળ્યો.
અરુંધતીએ પૃચ્છા કરી કે “સ્વામી, વિશ્વામિત્ર આટલા મહાન , ઉગ્ર તપ કરે છે તો શું તેઓ “બ્રહ્મર્ષિ” નું પદ પ્રાપ્ત કરશે ?”
વશિષ્ઠ ઋષિએ કહ્યું ” વિશ્વામિત્રજી અવશ્ય “બ્રહ્મર્ષિ” નું પદ પ્રાપ્ત કરશે. તેમનું તપ न भूतो न भविष्यति છે. આવું તપ કોઈ વિરલા જ કરી શકે. આ તપથી તેમણે મોહ, માયા અને સંસારના દરેક સંબંધથી પર થયાં છે. આ મહાન પદના તેઓ યથોચિત અધિકારી છે.”
અરુંધતીએ કહ્યું “પ્રભો , વિશ્વામિત્રજી તો તમારા પ્રત્યેના દ્વેષ ભાવથી આ પદ પ્રાપ્ત કરવા માંગે છે. જો તેઓ બ્રહ્મદંડ ના આધિકારી થશે તો તે આ શક્તિ તમારા વિરુદ્ધ ના વાપરે ? બ્રહ્મદંડથી તો દેવ , દાનવ , મનુષ્ય , ગંધર્વ, યક્ષ , કિન્નર, સર્વ પ્રજા ભય પામે છે અને સ્વયં ભગવાન પણ તેની મર્યાદામાં રહે છે.”
બ્રહ્મર્ષિ બોલ્યા “દેવી, કોઈની યોગ્યતા હોવા છતાં તેનો અધિકાર ના આપવો એ તો મહાપાપ છે. ભાવિ તો અકળ અને અટલ છે. એમાં થવાના બનાવ અને અણબનાવ પ્રત્યે લક્ષ રાખી જો હું વિશ્વામિત્રજી જેવા મહાન જ્ઞાની અને સંત પુરુષને હું આ પદ મેળવતા રોકું એ શક્ય નથી. આવા સાધુ પુરુષ કોઈને હેરાન કરવા , કે દંડ આપવા આવી શક્તિ અને પદનો ક્યારે ઉપયોગ ના કરે. “બ્રહ્મર્ષિ” પદ એમના માટે સર્વદા યોગ્ય છે.”
આ સંભાળતા વિશ્વામિત્રજી ગદગદ થઇ ગયા. એમને અત્યંત આત્મગ્લાની થઇ. અને દુ:ખ પણ થયું કે પોતે માન-અપમાનના વમળમાં ફરી રહ્યાં હતાં. જયારે આ મહાત્મા તો સમતા ધારણ કરી મારા વખાણ કરે છે અને મારો પક્ષ લઇ મને આ સમકક્ષ બનાવવા મથે છે.
વિશ્વામિત્રજી ત્યાંથી તરત કુટિરમાં ગયા અને વશિષ્ઠ ઋષિના પગે પડ્યાં.પોતાની ભૂલની માફી માંગવા લાગ્યાં.
વશિષ્ઠ ઋષીએ તો તેમને તરત ઉભા કરતાં બોલ્યા ” બ્રહ્મર્ષિ , આ તમે શું કરી રહ્યા છો ? તમે કેમ વ્યથિત છો ?”
વિશ્વામિત્રજી તો આ સાંભળી આશ્ચર્યચકિત થયાં. તેમણે વશિષ્ઠજી ને જણાવ્યું “દેવ, આપની કોઈ ચૂક થાય છે. બ્રહ્માજીએ મને “દેવર્ષિ”ની પદવીનું વરદાન આપ્યું છે., આપ મને બ્રહ્મર્ષિ શા સારું સંબોધન કરો છો ?”
વશિષ્ઠ ઋષીએ કહ્યું “હે દેવ , હું સત્ય વચની છું. હું જે કહું છું તે સર્વદા સત્ય હોય છે અથવા સત્ય બને છે. આપ તપથી નિર્લેપ અને સમ બન્યા છો. તમારા પુણ્ય કર્મનો આજ અભ્યુદય થયો છે. આથી હું આપને આજ બ્રહ્મર્ષિ જાણું છું અને તે કોઈ આશ્ચર્ય નથી પણ યોગ્ય છે”
આ સાંભળી બ્રહ્મર્ષિ વિશ્વામિત્રના આંખોમાં પ્રેમાશ્રુ ઉભરાઈ આવ્યાં. તેઓ વશિષ્ઠ ઋષિને ગળે ભેટી પડ્યા. જીવનમાં સમતા કેળવશો તો બ્રહ્મની પ્રાપ્તિ થશે. આ બ્રહ્મર્ષિ પદ એટલે જ ભગવાનની સમીપ આવવાની યોગ્યતા.
તમારી ટીપ્પણી