પૌરાણિક દ્રષ્ટાંત કથા – ભગવાનનું નામ – લક્ષ્મીજીની પરીક્ષા
એક સરસ દ્રષ્ટાંત કથા સંતો કહે છે.
એક વખત ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પૃથ્વી પર્યટન માટે નીકળ્યા. રસ્તામાં ભગવાને એક ખેડૂતને પોતાનું નામ લેતો જોયો ત્યારે ભગવાને લક્ષ્મીજીને જણાવ્યું કે જુઓ પેલો ખેડૂત મારો અનન્ય ભક્ત છે. લક્ષ્મીજીએ તે તરફ જોયું અને તેમને ધ્યાનમાં આવ્યું કે તે ખેડૂત ભગવાનનું નામનું અપભ્રંશરીતે લેતો હતો એટલે કે “રામ” ની જગાએ “રમા” બોલતો હતો. આ ઉપરાંત તે ગમે તે ભાવે એ ઉચ્ચાર કરતો હતો. જેમ કે તેને ગુસ્સો આવે ત્યારે જોરથી “રમા” બોલી કોઈને હડકારતો અને ભાવતું જમવામાં મળે ત્યારે વખાણમાં પણ “વાહ રમા” બોલતો.
લક્ષ્મીજીને થયું કે મારે એની ભૂલ સુધારવી જોઈએ. જેથી તેનું કલ્યાણ થાય. તેઓ તે ખેડૂત પાસે આવ્યા અને પોતાની ઓળખાણ આપી અને તેને જણાવ્યું કે ભગવાન તેને ઉત્તમ ભક્ત માને છે. પરંતુ તેમની ભક્તિમાં એક ખોટ છે તે ભગવાનના નામનો ઉચ્ચાર ખોટી રીતે કરે છે અને પછી “રામ” બોલી દેખાડ્યું.
ભક્ત ખેડૂતે લક્ષ્મીજીને નમસ્કાર કરી જવાબ વાળ્યો કે જોવાવાળો અને સાંભળવાવાલો સમજે છે કે હું એનું જ સ્મરણ કરું છું તો પછી ઉચ્ચાર અને શિષ્ટાચારથી શું ફરક પડે છે. એનું માત્ર સ્મરણ મહત્વનું છે જે હું દરેક ભાવમાં કરી સંતોષ મેળવું છું .
નારદજી કહે છે કે ભગવાન ભાવનો ભૂખ્યો છે, પછી તે પ્રેમભાવ હોય કે વૈરભાવ , ભક્તિભાવ હોય કે કામના ભાવ. બસ દરેક ભાવમાં તન્મયતા હોવી જોઈએ. તન્મયતા પણ એવી કે સંસાર ભૂલી જાવ, દેહનું ભાન ભૂલી જાવ. આ ભક્તિની તન્મયતા આપણાં અનેક ભવનાં પાપોનો નાશ કરે છે અને ભગવાનની પ્રાપ્તિ કરાવે છે.
તમારી ટીપ્પણી