જીવન દૃષ્ટિ – કર્મ
આજે કર્મ , પાપ , અને પુણ્ય વિષે જે પુરાણોમાં વાંચ્યું છે, વિચાર્યું છે , સમજ્યું છે તે અહીં પ્રસ્તુત કરું છું.
પરાશર મુનિ વિષ્ણુ પુરાણમાં કહે છે:
कर्मभिर्भाविताः पूर्वैः कुशलाकुशलैस्तु ताः ।
रव्यात्या तया ह्मनिर्मुक्ताः संहारे ह्यूपसंहृताः ॥२८॥
–श्रीविष्णुपुराण – प्रथम अंश – अध्याय ५
અર્થાત : સર્વ પ્રજા પોતાના પૂર્વ શુભ અને અશુભ કર્મોથી યુક્ત છે. પ્રલયકાળમાં સર્વનો લય થવા છતાં પૂર્વ જન્મનાં સંસ્કારથી મુક્તિ નથી મળતી.
પંચ મહાભૂતની બનેલી સર્વ વસ્તુઓનો નાશ થાય છે પણ તમારા પૂર્વ જન્મોના કર્મ નાશ પામતા નથી. જયારે જયારે સૃષ્ટિનો નાશ થાય છે ત્યારે સર્વ જીવોને ભગવાન પોતાનામાં લીન કરી નાખે છે અને પોતે યોગનિદ્રામાં પોઢી જાય છે. જયારે ફરી તેમને લીલા કરવાનું મન થાય છે ત્યારે નવી સૃષ્ટિનું નિર્માણ કરે છે અને એ પૂર્વ જન્મોનાં કર્મ મુજબ આપણે સહુ સંસારમાં ફરી જન્મ લઈએ છીએ.
तेषां ये यानि कर्माणि प्रक्सृष्टयां प्रतिपेदिरे |
तान्येव ते प्रपघन्ते सृज्यमानाः पुनः पुनः ||
–(વિષ્ણુ પુરાણ)
અર્થાત : દરેક પ્રાણીના જેવા જેવા કર્મ પૂર્વ કલ્પોમાં કર્યાં હતા, તે પ્રમાણે તે જીવ નવી સૃષ્ટિના આરંભમાં ફરી પોતાની એ જ પ્રવૃત્તિઓમાં સ્થિર થાય છે.
આ કાળચક્રની અનંતામાં આપણે ગોથા ખાઈએ છીએ. અનેક જાતના કર્મ કરતાં રહી ફરી ૮૪ લાખ યોનીઓમાંથી પસાર થઈએ છીએ અને વ્યર્થ વૃતિઓમાં જીવન પસાર કરીએ છીએ. આપણી અલ્પતા , અજ્ઞાનતા અને અશ્રદ્ધાને લીધે આ કર્મના ચક્રના વિષયને આપણે ગૌણ અને ઉપજાવેલ માનીએ છીએ.
પણ હકીકત એ છે કે गहना कर्मणो गतिः। કર્મની ગતિનું ચક્ર અતિ ગહન છે. તે જ્ઞાન અને વિજ્ઞાનનાં વિષયથી પર છે. ઘણા ખરા લોકો તો એમ સમજે છે કે આગલો જન્મ કે આવતા જન્મની કોને ખબર છે કે કોને જોયો છે. જે છે તે વર્તમાન જન્મમાં છે આથી બીજા જન્મોનું વિચારી શા સાટુ ચીંતા કરવા બેસીએ. અને એક ગ્રંથી તો ઘર કરી ગઈ છે આપણા પાપ કોણે જોયા છે ? કોને આ વાતની ખબર હશે? પણ ગરુડ પુરાણમાં ભગવાન સ્વયં કહે છે:
आदित्यचन्द्रावनिलोऽनलश्र्चद्यौर्भूमिरापो हॄदयं यमश्र्च |
अहश्र्च रात्रिश्र्च उभे च संध्ये धर्मोपि जानाति नरस्य वॄत्तम् || १६
–ગરુડ પુરાણ , ત્રીજો અધ્યાય
શરીરથી કે મનથી જીવ જે કર્મ કરે છે એની સાક્ષીમાં સુર્ય , ચંદ્ર, પવન, આકાશ , જળ, અગ્નિ , પૃથ્વી , દિશાઓ , હ્રદય , કાળ, ધર્મ , સંધ્યા, રાત , દિન અને ઇન્દ્રિયો રહે છે. આ બધાં દ્વારા ધર્મ અને અધર્મની જાણ થાય છે અને તે જીવના કર્માનુસાર સજા થાય છે.
પરાશર મુની રજા જનકને બોધ આપતા કહે છે:
चक्षुषा मनसा वाचा कर्मणा च चतुर्विधम्।
कुरुते यादृशं कर्म तादृशं प्रतिपद्यते।।
–મહાભારત , શાંતિ પર્વ , અધ્યાય ૨૯૬
અર્થાત: ચક્ષુ, મન , વચન અને હાથ દ્વારા કરવામાં આવેલા કર્મો થી બીજા જન્મમાં ફળની પ્રાપ્તિ કરાવે છે.
જે મનુષ્ય જે પ્રમાણેનું કર્મ કરે છે તે પ્રમાણેનું ફળ પરલોકમાં અથવા બીજા જન્મમાં ભોગવે છે. એમા કોઇ બાંધછોડ નથી. પછી તે મનુષ્ય, દેવ, ઋષિ , ગંધર્વ કે દૈત્ય હોય. પૂર્વ જન્મનાં કર્મનું ફળ દરેક પ્રાણીએ ભોગવવું પડે છે.
મહારાજ પૃથુ તો પોતાની પ્રજાને ઉપદેશ આપતાં ત્યાં સુધી કહે છે :
कर्तुः शास्तुरनुज्ञातुस्तुल्यं यत्प्रेत्य तत्फलम्
– શ્રીમદ ભાગવત , અધ્યાય ૪ , સ્કંધ ૨૧
અર્થાત : કોઈ પણ કર્મ મૃત્યુ પશ્ચાત્ , એના કર્તા , ઉપદેશ આપનાર અને સમર્થકને સમાન ફળ આપે છે.
નારદ પુરાણમાં વર્ણવ્યું છે કે:
त्र्प्राब्रह्मभुवनाल्लोकाः पुनरुत्पत्तिदायकाः || ७५ – १ ||
— श्री नारदीय महापुराणाम् , चतुर्थोध्याय
અર્થાત બ્રહ્મલોક સુધીના સર્વ લોકમાં પુણ્યનો ક્ષય થવાથી પુર્નર જન્મ લેવો પડે છે. આ નિયમમાં કોઈ મીનમેખ નથી. જયારે પુણ્યનો અંત આવે છે ત્યારે સ્વર્ગના દેવતાઓ પણ ફરી જન્મ-મરણના ચક્રમાં ફરી આવું પડે છે.
ततो दुःखक्षयं कृत्वा सुकृतं कर्म सेवते।
सुकृतक्षयाच्च दुष्कृतं तद्विद्धि मनुजाधिप।।
–મહાભારત , શાંતિ પર્વ , અધ્યાય ૨૯૬
અર્થાત: જયારે પાપજનિત દુ:ખનો ભોગ સમાપ્ત થાય છે ત્યારે મનુષ્યનાં પુણ્ય કર્મનો ઉપભોગ આરંભ થાય છે અને જ્યારે પુણ્યનો ક્ષય થાય છે ત્યારે પાપનું ફળ ભોગવવું પડે છે .
કહેવાય છે કે પાપનું ફળ આ કે આવતા જન્મમાં ભોગવવું પડે છે ,
નારદ પુરાણમાં જણાવ્યું છે કે:
ना भुक्तं क्षीयते कर्म कल्पकोटि शतैरपि
अवश्य मेव भोक्तव्यं कृत कर्म शुभाशुभम् || ६९ -७० ||
— श्री नारदीय महापुराणाम्, प्रथैक त्रिंशोड्ध्याय
અર્થાત : કોઈ પણ કર્મ સો કરોડ કલ્પોમાં ભોગવ્યા વિના નષ્ટ નથી થતું. કરેલા શુભ અને અશુભ કર્મનું ફળ અવશ્ય ભોગવવું પડે છે.
છતાં માર્કંડેય પુરાણમાં પિત્તરો કહે છે કે બે કારણોસર મનુષ્યને કર્મ બંધન નડતું નથી.
एवं न बन्धो भवति कुव्वॅतः करुणात्मकं |
न च बन्धाय तत्कर्म भवत्यन भिसन्धितं || १५ ||
— ૯૫મો અધ્યાય
અર્થાત : દયા ભાવથી કરેવું કર્મ બંધનકારક નથી. નિષ્કામ ભાવથી કરેલું કર્મ પણ બંધન નથી આપતું.
अज्ञानाद्धि कृतं पापं तपसैवाभिनिर्णुदेत्।
અર્થાત: અજ્ઞાનતાથી પાપ થાય તો તેને તપ દ્વારા નષ્ટ કરી નાખવું જોઈયે.
भवत्यल्पफलं कर्म सेवितं नित्यमुल्वणम्।
अबुद्धिपूर्वं धर्मज्ञ कृतमुग्रेण कर्मणा।।
અર્થાત: પુણ્ય કે પાપ , જાણીને કે અજ્ઞાનતાથી કરવામાં આવે તો પણ એનું કંઈ ને કઈ ફળ તો જરૂરથી મળે છે.
યુધિષ્ઠિર દ્રૌપદીને કર્મનો બોધ આપતાં કહે છે :
कर्मणां फलमस्तीह तथैतद्धर्मशासनम्।
– મહાભારત, અરણ્યપર્વ , અધ્યાય ૨૯
અર્થાત – કર્મનું ફળ અહીં અવશ્ય પ્રાપ્ત થાય છે – આ ધર્મ શાસ્ત્રનું વિધાન છે
પણ કયારેક અત્યુગ્ર પાપનું ફળ આ જન્મમાં સહન કરવું પડે છે અને તેની પ્રચંડતા ઉપર તેનો દંડ ત્રણ પળ, ત્રણ પ્રહર, ત્રણ દિવસ , ત્રણ સપ્તાહ, ત્રણ મહિના , ત્રણ વર્ષ અથવા ત્રણ જન્મો સુધીમાં મળે છે.
- ભગવાન વિષ્ણુનાં પાર્ષદ જય અને વિજયે , પરમ વૈષ્ણવોને (સનક, સનાતન, સનંદન અને સનત્કુમાર ઋષિઓ) ભગવાન પાસે જતા અટકાવવા માટે એમને માત્ર ત્રણ પળમાં ભગવાનનાં વિયોગનો શ્રાપ મળ્યો હતો અને તેથી ત્રણ જન્મો લગી તેઓને દૈત્ય કૂળમાં જન્મ લેવો પડ્યો હતો.
- સહસ્ત્રાર્જુને ઋષિ જ્મદગ્નીની કામધેનું ગાય અપહરણ કરી લઇ ગયો હતો. પછી માત્ર ત્રણ પ્રહરમાં એને આ પાપનું ફળ ભોગવવું પડ્યું હતું . ભગવાન પરશુરામે એનો, તથા એના સૈન્યનો નાશ કર્યો .
- અશ્વત્થામાએ દ્રૌપદીના પાંચે દીકરાને તેણે મારી નાખ્યા.( આતતાયી, નિર્દોષ સૂતા બાળકોની હત્યા કરનાર) પછી ત્રણ દિવસમાં અર્જુને તેને પકડી એનો વધ ( માથું મુંડાવી, એનું સર્વ ધન લઈને, માથા ઉપર રહેલ દિવ્ય મણિ લઈ એનું તેજ હરી ) કર્યો .
તેજ રીતે આપણે જે કંઈ સત્કર્મ કરીએ છીએ તેને અનુરૂપ આપણને સુખ ,શાંતિ , સમૃદ્ધિ અને સફળતા આપે છે. માણસની વર્તમાન સ્થિતિ કહી આપે છે કે તે કેવા કર્મ કરીને આવ્યો છે. જેના મુખ ઉપર આનંદ હોય, ઉત્સાહ હોય , સાત્વિક તેજ હોય તો સમજી લેવાનું કે સારા કર્મો કરીને આવ્યો છે અને તેના પરિણામે ભવિષ્યમાં પણ એને સારું સુખ મળવાનું છે.
પુણ્યનું ફળ છ વર્ષમાં બેગણુ, બાર વર્ષમાં ચાર ગણું, અઢાર વર્ષમાં આઠ ગણુ અને ચોવીસ વર્ષમાં સોળ ગણું થઈ જાય છે! પૂર્વકાલીન સમયમાં અનેક ઋષિ, મુની, દેવ, દાનવ, યક્ષ , ગંધર્વ , રાક્ષસ અને મનુષ્યોએ હજારો – લાખો વર્ષો સુધી તપસ્યા , વિવિધ વ્રત અને યજ્ઞો જેવા અનેક પ્રકારના કર્મ કરી, અનેક ઘણું પુણ્ય કમાઈ લીધું. પણ તે કર્મનું ફળ લીધું નહિ જેથી તેનું પુણ્ય આનન્ત્ય ઘણું વધી ગયું. આ પુણ્યના પ્રતાપે તેઓ અનેક સિદ્ધિ, ઐશ્વર્ય , શક્તિ અને સાધન પ્રાપ્ત કર્યાં હતાં.
- ધ્રુવે માત્ર છ વર્ષની ઉમરમાં ભગવાનની ઉત્તમ ઉપાસના કરી ૩૬૦૦૦ વર્ષ પર્યંત સુધીનું પૃથ્વીનું એકચક્ર રાજ્ય અને ભગવાનનું અવિચળ લોક અને પદ પ્રાપ્ત કર્યું હતું.
- વામન અવતાર વખતે રાજા બલિને તેની સત્યનિષ્ઠા અને ત્રણ પગલા દાનના બદલામાં ભગવાને તેને પાતાળનો રાજા બનાવ્યો હતો અને આઠમા સાવર્ણિ મન્વંતરમાં તેને સ્વર્ગમાં ઇંદ્ર બનવાનું વરદાન આપ્યું હતું.
- દાનવરાજ હિરણ્યકશીપુ , સહસ્ત્રાર્જુન , રાક્ષસરાજ રાવણ વગેરેએ ઉગ્ર સકામ તપ કરી ભગવાન શંકર , બ્રહ્મા પાસેથી અદભુત વરદાન માંગ્યા હતાં.
જયારે પુણ્યનો અંત આવે છે ત્યારે પડતી શરૂ થાય છે. તેમ જયારે પાપનો ક્ષય થાય છે ત્યારે ચઢતી આવે છે. પણ સમજવાનું એ છે કે દરેક કર્મનો અંત આવે છે. આ જંજાળમાંથી નીકળવાનો માત્ર એક રસ્તો છે. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે:
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।
मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि॥ ४७ ||
सिद्ध्यसिद्ध्योः समो भूत्वा समत्वं योग उच्यते || ४८ – २||
श्रीमद भगवद् गीता , अध्याय २
તારો અધિકાર ફક્ત કર્મ કરવા પૂરતો છે. ફળ પર કદાપિ નહિ. એટલે તારું મન તું કર્મના ફળ પર ક્યારે ય કેન્દ્રિત કરીશ નહિ. અને કદી કર્મ ન કરવામાં પણ આસક્તિ રાખીશ નહિ. કર્મનું ફળ મળે કે ના મળે તેથી શું ફરક પડે છે ? સમ ભાવથી જે કર્મ કરે તેને “યોગ” કહે છે.
જે કંઈ કર્મ કરો તે ભગવાનના ચરણમાં ધરી દો. ખરાબ કર્મો કાર્ય હશે તો ઠાકોરજી તેની સજા સાત વર્ષોની હશે તો માત્ર સાત પળની કરશે અને સારા કર્મો કર્યાં હશે તો સાત દિવસનું સુખ સાત જન્મો પર્યંત કરી આપશે. આ તો વાત થઇ સકામ કર્મોની.
જો નિષ્કામ એટલેકે કોઈ પણ આશા કે ઈચ્છા વગર તમે સઘળા કર્મો પ્રભુને આપશો તો તે સ્વયં પોતાનું પદ, લોક , સામર્થ્ય , મુક્તિ આપશે.
फलागृध्रुः कर्मरणां तत्प्राप्रोति परमं पदम् || ७५ – २||
— श्री नारदीय महापुराणाम् , चतुर्थोध्याय
અર્થાત જે કર્મનું ફળ નથી માંગતો તેને વિષ્ણુનું પરમ પદ પ્રાપ્ત થાય છે.
જો જીવ આમાંથી કંઈ પણ ન લે તો ભગવાન તેમને પોતાની ભક્તિ આપે છે જે આ સૃષ્ટિમાં દરેક લભ્ય ,સુલભ, દુર્લભ, અને અલભ્ય હોય એવી વસ્તુઓમાં શ્રેષ્ઠ છે. ભગવાન સિવાય દુનિયામાં કોઈ ભગવાનની ભક્તિ આપવામાં સક્ષમ નથી.
rahshyamay jivanne samjvu aghru che pan samjdarithi yogy vidya, techniq guru ane chelanu samagam,kudrat bhakti aa badhno sath je samye ek thay tyare smbhav thay che. baki to nisawarth satkarm kar.
LikeLike