જાણવા જેવું : મોક્ષના પ્રકાર
सार्ष्टिसालोक्यसारुप्यसामीप्यं साम्यलिनताम् |
वदन्ति षड् विद्यां मुक्तिं मुक्ता मुक्तिविदो विभो
— બ્રહ્મ વૈવિત્ર પુરાણ , બ્રહ્મ ખંડ , પાંચમો અધ્યાય
અર્થાત: ભગવાન શંકર શ્રી કૃષ્ણની સ્તુતિ કરતા કહે છે કે ” મોક્ષ અને અમોક્ષ વેતાઓમાં મોક્ષનાં છ પ્રકાર બતાવ્યાં છે. :
- સાર્ષ્ટિ : ઈશ્વર સમાન સૃષ્ટિ સર્જન કરવાની શક્તિ
- સાલોક્ય: ઈશ્વર સમાન લોકમાં રહેવું અથવા ઈશ્વરનાં લોકમાં રહેવું
- સારૂપ્ય: ઈશ્વર સમાન સ્વરૂપ પ્રાપ્ત કરવું
- સામીપ્ય: ઈશ્વરની સમીપમાં રહેવું
- સામ્ય: ઈશ્વર જેવી સમતા પ્રાપ્ત કરવી
- સાયુજ્ય (લીન): ઈશ્વરમાં લીન થવું
આપણે માનીએ છીએ કે મોક્ષ મળે એટલે વૈકુંઠ મળ્યું. પણ મોક્ષ આટલો સહેલો નથી. એમાં છ ભેદ છે. જેમ જેમ આત્માનો સાક્ષાત્કાર થાય તેમ તેમ નીચે પ્રમાણેના ક્રમ મુજબ જીવ ગતિ પામે છે.
(૧) સૌ પ્રથમ સાર્ષ્ટિ મુક્તિ – ઈશ્વર સમાન સૃષ્ટિ સર્જન કરવાની શક્તિ , આ પ્રકારની મુક્તિ બ્રહ્મર્ષિ , યોગેશ્વર અને બ્રહ્મામાં જોવા મળે છે .હજારો દિવ્ય વર્ષોના તપ અને સાધના કરવાં છતાં આ કક્ષા પર નથી પહોંચાતું.
(૨) બીજા પ્રકારની મુક્તિ સાલોક્ય – જેમાં ભગવાન રહેતા હોય તે લોક અથવા એમનાં સમાન લોકમાં ઐશ્વર્ય અને ભોગની પ્રાપ્તિ થવી તે. અહીં વૈકુંઠમાં સ્થાન મળે છે પરંતુ ભગવાનના દર્શન હજુ પણ દુર્લભ છે.
(૩) ત્રીજો પ્રકાર સારૂપ્ય છે – જેમાં ભગવાન સમાન સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. અહીં જીવ રૂપ, રસ, ગંધ, અને કાંતિમાં ભગવાન સમાન થાય છે. જો કે વૈકુંઠમાં સ્થાન મળે ત્યારે મનુષ્ય સંસાર અને મનની દરેક વિષમતાથી છુટી ગયો હોય છે પણ વૈકુંઠમાં રહેવા છતાં તે પરમાત્માની પ્રત્યક્ષ પહોંચવાની યોગ્યતા ધરાવતો નથી.
(૪) ચોથો પ્રકાર સામીપ્ય મુક્તિ છે – જેમાં ભગવાનન સમીપ , તેમની સેવા કરવા મળે તે. આ સમયે જીવ પરમાત્માના નિત્ય દર્શન કરી શકે છે. ભગવાનને ચર્મ ચક્ષુ કે અત:કરણ ચક્ષુથી જોવાનો વિષય નથી. તે આધિભૌતિક, આધિદૈવિક, કે આધ્યાત્મિક રીતે પણ જોઈ શકાતા નથી. તેમની ઈચ્છા વિના કયારે પણ દર્શન શક્ય નથી. જયારે જીવ પ્રથમ ત્રણ મુક્તિને પ્રાપ્ત કરે છે ત્યારે તે માત્ર ભગવાનના સ્થાન અને ઉપસ્થિતિનો અનુભવ કરે છે. બાકી દિવ્ય પ્રકાશ સિવાય કંઈ પણ નજરે ચઢતું નથી
(૫) પાંચમો મુક્તિનો પ્રકાર સામ્ય છે : ઈશ્વર જેવી સમતા પ્રાપ્ત કરવી – ગુણ, ભાવ, સ્વભાવ, સમજ, વિચાર , વ્યવહાર , વલણ , આચરણ , જ્ઞાન , તેજ , અવસ્થા , પરાક્રમ , યશ ભગવાન સમાન થાય છે. આ કક્ષા પર ભગવાન શંકર સિવાય કોઈ નથી
(૬) છેલ્લો ભેદ છે સાયુજ્ય મુક્તિ– જેમાં ભગવાન સાથે તાદાત્મ્ય અનુભવાય તે. આ પ્રકારમાં ભક્ત ભગવાનમાં લીન થઇ જાય છે. બે વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદ રહેતો નથી. આ મુક્તિ શાશ્વત શાંતિ અપાવે છે.
કહેવાય છે કે આ ઉપરાંત મુક્તિનો એક વિશિષ્ઠ પ્રકાર છે જેને “પંચમ પુરુષાર્થ” કહેવાય છે અને જેને ભગવાન શંકરે “પ્રેમલક્ષણા ભક્તિ” તરીકે વર્ણવી છે. જયારે કોઈ ભક્ત આલોક અને પરલોકના સર્વ પદાર્થ , પરમાર્થનો ત્યાગ કરે છે અને ભગવાનની ચરણની ભક્તિ સિવાય બીજી કોઈ ઈચ્છા નથી રાખતા ત્યારે ભગવાન તેમેને આ મુક્તિ પ્રદાન કરે છે. ભગવાન પોતાના ભક્તની સાથે રહી અનેક લીલા-વિહાર-આનંદ કરે છે. ભગવાન પોતે સેવક બની ભક્તની પાછળ-પાછળ ફરે છે પણ ભકત તો ભગવાનની સેવા કરવામાં હર-હંમેશ તન્મય રહે છે. અહીં માત્ર નિર્લેપ , નિ:સ્પૃહ, અલૌકિક પ્રેમ છે. આ મુક્તિ આપવાનો અધિકાર માત્ર ઠાકોરજીને છે. ભગવાન શંકર, બ્રહ્મર્ષિ માર્કન્ડેય , ભક્ત શિરોમણી હનુમાનજી, દેવર્ષિ નારદ જેવાને પ્રાપ્ત છે.
તમારી ટીપ્પણી