પૌરાણિક કથા – મહાત્મા વિદુરજીની પૂર્વ જન્મકથા
પૂર્વ જન્મમાં મહાત્મા વિદુરજી સાક્ષાત ધર્મરાજ પદ પર વિરાજતા હતાં.
એક વખત એવું બન્યું કે માંડ્વ્ય ઋષિ ધ્યાનમાં બેઠાં હતાં. એવામાં કેટલાક ચોર કાંઇક મુદ્દામાલ સાથે ત્યાં આવી ચઢયાં. તેમની પાછળ રાજાનાં સિપાઈ પડ્યાં હતાં. પકડાઈ જવાના ભયથી તેમણે ચોરીનો માલ ઋષિ પાસે નાખી નાસી ગયા. સિપાઈઓએ માંડ્વ્ય ઋષિને પકડી રાજા પાસે હાજર કર્યાં . રાજાએ તેમને શૂળી પર ચઢાવવા આદેશ આપ્યો . પણ ત્યાં શૂળીનો થોડો ભાગ રાજાના શરીરમાં વાગવા લાગ્યો. એટલે રાજાને તરત જ્ઞાન થયું કે ઋષિ સાવ નિર્દોષ છે. તેણે શૂળીનો જેટલો ભાગ બહાર હતો તે કાપી નાખ્યો , ઋષિ ને તુરંત મુકત કર્યાં અને તેમની માફી માંગી.
ઋષિ તો ત્યાંથી પોતાના તપોબળથી સીધાં ધર્મરાજ પાસે પહોચ્યાં અને પૂછ્યું ” કયા પાપની મને આ સજા મળી છે ? ”
ધર્મરાજે જણાવ્યું ” બાળપણમાં તમે એક પતંગિયા ને એક બાવળની શૂળ ઘોચીં હતી.એની તમને આ આકરી સજા થઇ છે.”
ઋષિ ક્રોધિત થયાં અને બોલ્યાં ” એ તો મેં અજ્ઞાનવશ કર્યું હતું. અને બાળપણમાં થયેલી ભૂલોની કોઈ સજા ના હોય કારણકે ત્યારે મન અને પ્રવૃત્તિ બન્ને નિર્દોષ હોય છે.
તમે તમારું કર્તવ્ય ચુકી મને ખોટો દંડ આપ્યો છે. આથી હું તમને શ્રાપ આપું છું કે તમારે શુદ્ર યોનીમાં જન્મ ધારણ કરી સો વર્ષ સુધી રહેવું પડશે.”
ધર્મરાજાએ પ્રસન્નતાપૂર્વક પોતાની ભૂલનો સ્વીકાર કર્યો અને બીજા જન્મમાં દાસીની કુખે તેમને જન્મ લેવો પડ્યો. તેઓ મહાભારતમાં મહાત્મા વિદુર તરીકે ઓળખાયા.
અંક : પુનિત ભાગવત
“જન કલ્યાણ”
તમારી ટીપ્પણી